કચ્છી તબીબો અમેરિકામાં કોરોના વોરિયર

કચ્છી તબીબો અમેરિકામાં કોરોના વોરિયર
ભુજ, તા. 1 : કચ્છીઓ માટે ગૌરવની વાત છે કે, દરિયાપાર પણ કચ્છના સંતાનો સૈનિકોની માફક કોરોના વોરિયર્સ બનીને સેવા બજાવી રહ્યા છે. મૂળ માંડવીના હાલે ભુજ નિવાસી સ્વ. હરિલાલ માવજી શાહના પરિવારજનો પુત્ર, પૌત્ર, પૌત્રવધૂઓ અમેરિકા ખાતેની જુદી-જુદી હોસ્પિટલોમા સેવા આપી રહ્યા છે. સ્વ. હરિલાલભાઈના સૌથી મોટા પુત્ર ડો. ધીરજ શાહને સૌ કચ્છવાસીઓ ઓળખે છે. હાલ તેઓ અમેરિકાના ડલ્લાસ ખાતે નિવૃત્ત જીવન ગાળી રહ્યા હોવા છતાં પણ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ફોન ઉપર સલાહ-સૂચનો આપી રહ્યા છે. ડો. ધીરજ શાહના નાના ભાઈના પુત્ર ડો. શાન લક્ષ શાહ ન્યૂયોર્કની કોરનેલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. ડો. શાનના ધર્મપત્ની ડો. પ્રિયા પણ ન્યૂયોર્કની હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં દરરોજ સતત બાર કલાક સેવા બજાવી રહ્યા છે. તેમને ક્યારેક રજા હોય તો પણ અન્ય ડોક્ટરની મદદ કરીને દર્દીઓને બચાવવાની કામગીરીમાં વ્યસ્ત થઈ જાય છે. સ્વ. હરિલાલભાઈના બીજા પૌત્રની વાગ્દતા ડો. નીના પણ લોસ એન્જલસની હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરી રહ્યા છે. તેમનો અન્ય પૌત્ર ડો. રાહીલ હર્ષદ શાહ માયામી તેમજ ડો. નીલા નીલેશ શાહ પણ ડલ્લાસની હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer