દરરોજ 12 હજાર રોટલી ગરીબોને પીરસે છે

દરરોજ 12 હજાર રોટલી ગરીબોને પીરસે છે
કનૈયાલાલ જોશી તરફથી મુંબઈ, તા. 1 : લોકડાઉનના કારણે રસ્તા પર આવી ગયેલા બેરોજગાર શ્રમિકો અને અન્ય ગરીબોને નિયમિત ખાવાનું આપવાનું કોઈએ શીખવું હોય તો વસઈના વેપારીઓ પાસેથી શીખે. આ વેપારીઓ દરરોજ 10થી 12 હજાર રોટલીની વ્યવસ્થા કરે છે. રોટલી સાથે કેળાં આપે છે. આ સેવા ચાલે છે તેનો આજે 37મો  દિવસ છે. ગુરુદ્વારામાં દરરોજ ગરીબોને ખીચડી પીરસાતી તેનાથી પેટ ભરાય નહીં, તેમાંથી રોટલીનો વિચાર આવ્યો. ગુરુદ્વારામાં ચાર હજાર રોટલીની જરૂર હતી તે પૂરી કરીએ પછી વર્તક કોલેજ પાસેના લાલ ગોડાઉન, વિશ્વકર્મા હોલ અને નોર્થ લેન મોલ પાસે એકઠા થતા જરૂરતમંદોને રોટલી, કેળાં બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. વસઈના સન સિટી મેદાનમાં શ્રમિકો ભેગા થાય છે. જેઓ વસઈથી ઉપડતી શ્રમિક ટ્રેન પકડે છે, તેમને રોટલી, કેળાં અને પાણીની બોટલ આપવામાં આવે છે. આ માહિતી આપતાં વસઈના એક વેપારી અલ્કેશ રાઠોડે જણાવ્યું કે, લોકડાઉનના કારણે અમારો ધંધો બંધ હતો, અમે નવરા પડી ગયા હતા એટલે વિચાર, આવ્યો કે કંઈ કરીએ. શરૂમાં અમે પાંચ જણ હતા. `હું, ભરતભાઈ, પ્રફુલભાઈ, કમલેશભાઈ અને હિરેનભાઈ' એ પછી બીજા જોડાતા ગયા. `અમે બસો રોટલીથી શરૂઆત કરી. જરૂર ઘણી હતી એટલે આસપાસની દરેક સોસાયટીમાં જઈને કહ્યું કે, `અમે આ પ્રવૃત્તિ શરૂ કરી છે. તમે રોટલી બનાવીને આપો અમે વોચમેન પાસે એક બોક્સ મૂકશું. 11-12 વાગ્યે તમારી ઈચ્છા પ્રમાણે રોટલી મૂકવી. અમે આવીને બોક્સ લઈ જઈશું. ધીરે ધીરે બીજી સોસાયટીઓ જોડાતી ગઈ. હાલમાં 70થી 80 સોસાયટી તરફથી રોટલીની સહાય મળે છે.' અમુક જગ્યાએ પગપાળા જતા શ્રમિકોને પોલીસે ક્વોરેન્ટાઈન કર્યા છે, તેમને પણ રોટલી આપીએ છીએ. કેળાં માટે સ્પોન્સર મળી ગયા છે. જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ તેમ તેમ અમારી સાથે જોડાતા ગયા. સવારના 11થી 1 સુધીમાં બધી સામગ્રી એકઠી કરી લીધા પછી વિતરણ કરવા નીકળી પડીએ. આ કાર્યથી લોકોની હાલતનો ખ્યાલ આવે છે, લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી અથવા આગળ પણ જરૂર રહેશે ત્યાં સુધી અમે અમારી સેવા ચાલુ રાખશું. અમે દાતાઓ, શુભેચ્છકો અને વોલિન્ટીયરોનો અમે આભાર માનીએ છીએ, એમ પણ અંતમાં અલ્કેશ રાઠોડે જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer