શિપિંગ કોર્પોરેશને 317 કરોડનો નફો કરતાં આઠ વર્ષ બાદ ડિવિડન્ડ જાહેર

ગાંધીધામ, તા. 1 : ભારત સરકારના શિપિંગક્ષેત્રના સૌથી મોટા એકમ એસ.સી.આઈ. મુંબઈની ઓડિટ કમિટીની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. જેમાં આ કંપનીએ આઠ વર્ષ બાદ 317 કરોડનો નફો કરતાં શેર હોલ્ડરોને 7.5 ટકા ડિવિડન્ડ જાહેર કરાયું હતું. કંડલા પોર્ટ ટ્રસ્ટના માજી ટ્રસ્ટી અને અંજાર નગરપાલિકાના પ્રમુખ માવજીભાઈ સોરઠિયાએ હિસાબી વર્ષ 19-20ના આવક જાવકના હિસાબો રજૂ કર્યા હતા. શ્રી સોરઠિયાએ કહયું હતું કે કંપનીએ આઠ વર્ષ બાદ આ વર્ષે 317 કરોડનો નફો કર્યો છે. ગયા વર્ષે કંપનીને રૂા. 116 કરોડનું નુકસાન થયું હતું. વર્ષ દરમ્યાન 4667 કરોડની રીસીપ્ટ થઈ હતી અને 4320 કરોડનો ખર્ચ થયો હતો. લાઈનર ડિવિઝનમાં 131 કરોડનું નુકસાન તથા ટેકર ડિવિઝનમાં 737 કરોડનો નફો થયો હતો. સરવાળે એકમે 317 કરોડનો નફો ઘસારો બાદ નફો થયો હતો. કંપની પાસે 31 માર્ચ 2020માં ઘસારો બાદ કરતાં રૂા.13733 કરોડની મિલકતો છે. જ્યારે 6435 કરોડની જવાબદારીઓ છે. આમ ચોખ્ખી રૂા. 7288ની મિલકતો છે. ત્યારબાદ બોર્ડ ઓફ ડિરેકટરની બેઠકમાં કેન્દ્ર સરકારના દિલ્હીના બે ડાયરેકટર સહિતના બધા ડાયરેકટરો સમક્ષ ચેરમેન માવજીભાઈ હિસાબો રજૂ કર્યા હતા. જેને મંજૂરી અપાઈ હતી. ચાલુ વર્ષે નફો થતાં સર્વ ડાયરેકટરોની સહમતીથી 7.5 ટકા ડિવિડન્ડ શેર હોલ્ડરોને આપવા ઠરાવ થયો હતો. આઠ વર્ષ બાદ શેર હોલ્ડરો માટે ડિવિડન્ડ જાહેર થયું હતું. કોરોના મહામારી વચ્ચે ભારત સરકારના જાહેર સાહસોમાં અને ભારતની નવરત્ન કંપનીઓ પૈકીના આ એકમે સમયસર હિસાબો રજૂ કર્યા હતા તેવું દરિયાઈ ક્ષેત્રમાં પરિવહન કરતી આ કંપનીના ઈન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર માવજીભાઈએ એક યાદીમાં જણાવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer