ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં ત્રણ મહિનાથી પીવાના પાણીની ભારે તંગી

ગાંધીધામ, તા. 1 : ઉનાળાના અસહ્ય તાપ વચ્ચે આ પંચરંગી શહેરના નવી સુંદરપુરી વિસ્તારમાં છેલ્લા મહિનાઓથી પેયજળની સમસ્યાની બૂમ પડી છે. આ મુદે વિપક્ષે પાલિકાના મુખ્યઅધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. શહેર કોંગ્રેસ સમિતિના જગદીશભાઈ ગઢવીએ ચીફ ઓફિસરને રજૂઆત કરતા પત્રમાં કહયું હતું કે નવી સુંદરપુરી વિસ્તારના રબારીવાસ, જોગીવાસ, ઈમામ ચોક સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. જેને કારણે મહિલાઓને વલખાં મારવાં પડે છે. પાલિકા દ્વારા 10 મિનિટ પાણી અપાય છે. તે પણ ગટર મિશ્રિત હોવાથી નાહવા-ધોવામાં ઉપયોગમાં લઈ શકાતું નથી. આ સ્થિતિમાં આ વિસ્તારના લોકોને નાછુટકે મોંઘા ભાવના પાણીના ટેન્કરો મંગાવવાની ફરજ પડે છે. સમગ્ર મામલે વખતોવખત સંબંધિતો સમક્ષ રજૂઆત કરાઈ છે અલબત્ત તેનું નિરાકરણ આવતું નથી. સત્તાપક્ષ દ્વારા આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરાતું હોવાના આક્ષેપ સાથે તેમણે વધુમાં કહયું હતું કે, આ વિસ્તારમાં ઘણા સમયથી રોડ બનતો નથી. જોગીવાસમાં ગટર લાઈન નાખવામાં આવી નથી. અત્રે ભરાતાં પાણી લોકોના ઘરોમાં જાય છે ત્યારે અહીંથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરાઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer