કોરોનાના કહેર વચ્ચે ફળીનો ફાલ બેહાલ

કોરોનાના કહેર વચ્ચે ફળીનો ફાલ બેહાલ
નિરોણા (પાવરપટ્ટી), તા. 31 : કચ્છમાં વન્ય ગૌણ પેદાશમાં ગણાતી ગાંડા બાવળની ફળી એકત્રીકરણ કરવાની ભરપૂર મોસમ વચ્ચે કોરોના વાયરસની મહામારી બાધારૂપ બની છે. સીમાડામાં ગાંડા બાવળનાં વૃક્ષો નીચે ખરી પડેલી ફળીના પુષ્કળ ફાલને વીણવા લોકડાઉન અને ભરપૂર ખેતીની સિઝનને લઇ મજૂરવર્ગ પરેરાશન બન્યો છે. ખૂબ ટૂંકા ગાળાના આ વન્ય પેદાશ સાથે સંકળાયેલા વેપારીઓને તકલીફ સર્જાઇ છે. કચ્છમાં ગાંડા બાવળની ઝાડી વ્યાપક છે. ખાસ કરીને બન્ની, પાવરપટ્ટી અને રાપર તાલુકો ગીચ ઝાડી માટે જાણીતા છે. આગ ઓકતી ગરમી અને લૂ વાતા વૈશાખી વાયરા વચ્ચે આ વૃક્ષોનો ફાલ `ફળી' ભારે માત્રામાં પાકી ખરી પડે છે. ખાસ કરીને પશુઆહારમાં ભારે ઉપયોગી ગણાતી ફળીના ફાલને એકત્ર કરી ઠેર-ઠેર ઊભા કરાયેલા વાડાઓ ઉપર તેનું વેચાણ કરી લોકો રોજગારી રળી રહ્યા છે. દર વર્ષે કચ્છમાં ગાંડા બાવળની ફળીનું ભારે ઉત્પાદન થાય છે. એકથી દોઢ માસ જેટલા ટૂંકા સમયગાળામાં ફળી એકત્ર કરવાની સિઝનમાં અનેક ઠેકાણે વેપારીઓ વાડાઓ ખોલે છે. ખાસ કરીને પાવરપટ્ટી વિસ્તારના ડાડોર, નિરોણા, સુમરાસર (શેખ), લોડાઇ ઉપરાંત બન્ની વિસ્તારના ગામોમાં પણ ફળી એકત્ર થઇ રહી છે. આ વાડાના સંચાલકોના જણાવ્યા મુજબ કોરોના વાયરસને લઇ લાગુ કરાયેલા લોકડાઉનને લીધે ફળી એકત્રીકરણ કરવાની ભરપૂર મોસમ પર માઠી અસર  પડી છે. આ ઉપરાંત રમજાન માસને લઇ મુસ્લિમ મજૂરો રોજાઓમાં રોકાયેલા છે. તો હાલ ખેતીવાડીમાં કપાસ વીણવા અને એરંડા કાપણીની મોસમ પણ પૂરજોશમાં હોઇ લોકો?ફળી એકત્ર કરવા ઓછો રસ ધરાવે છે, હાલ વાડાઓ ઉપર પહોંચતી ફળી એક મણ (40 કિલો)ના 140 રૂા.ના ભાવે ખરીદી 180ના ભાવે બહાર મોકલતા હોવાનું વાડા સંચાલકો જણાવે છે. દરમ્યાન ફળીમાંથી બીજ છૂટું કરી ભૂસો બનાવવાનું એક માત્ર એકમ રાપર ખાતે ચાલે છે. થ્રેસર દ્વારા પશુઆહાર બનાવટની થતી કામગીરી સાથે સંકળાયેલા મનોજભાઇ શિવલાલ જણાવે છે કે સામાન્ય રીતે ફળીની ભરપૂર મોસમમાં અહીં કચ્છના જુદા-જુદા વિસ્તારોમાંથી પહોંચતી ફળીમાંથી દર વર્ષે 200થી 250 ટન ફળીનો ફાલ એકત્ર થતો, જેમાંથી 120થી 150 ટન ભૂસાનું વાર્ષિક ઉત્પાદન થતું, જ્યારે ચાલુ સાલે અત્યાર સુધી અહીં 70 ટન ફળી પહોંચી છે. જે વધીને 125થી 140 ટન સુધી થઇ શકે છે. જેમાં 60થી 70 ટન જેટલું ભૂસું બની શકે છે. જે સામાન્ય કરતાં 50 ટકા ઉત્પાદન ઓછું છે. વધુમાં તેમના કહેવા મુજબ અહીં બનતું ભૂસું ઉપલેટા, આણંદ અને મોડાસાની રાજદાણની ફેકટરીમાં રૂા. આઠના ભાવે પહોંચાડવામાં આવે છે. જેનો પૌષ્ટિક પશુ-આહારમાં મિશ્રણ કરવામાં આવે છે. જ્યારે ભૂસામાંથી અલગ થયેલાં બિયારણને ગાંધીનગર અને પાટણ જિલ્લાનું વન વિભાગ ખાતું રૂા. 30થી 35ના ભાવે ખરીદી લે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer