આહીરપટ્ટીમાં દીપડાની ગતિવિધ કેમેરા ટેપમાં કંડારાઈ

આહીરપટ્ટીમાં દીપડાની ગતિવિધ કેમેરા ટેપમાં કંડારાઈ
ગાંધીધામ, તા. 31 : શહેરના વાઇલ્ડ લાઈફ તસવીરકાર દ્વારા કચ્છના આહીરપટ્ટી વિસ્તારમાં કેમેરા ટ્રેપની મદદથી વિવિધ જંગલી જનાવરોની હિલચાલની નોંધ લેવાઈ હતી. આ દરમ્યાન ત્રણ વન્યજીવની હલચલ કેમેરામાં કંડારવામાં આવી હતી.વન્યજીવ ઉપર સંશોધન કરતા ગાંધીધામના પ્રતીક જોશી કચ્છના જુદા-જુદા વિસ્તારોમાં  વન્યજીવની હાજરીની નોંધ લે છે. મોશન સેન્સર ઉપર કામ કરતા કેમેરા ટ્રેપનો આ કાર્ય માટે ઉપયોગ કરવામાં આવે છે. અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા આ કેમેરા વડે વન્યજીવની હાજરી, સંખ્યા, હલનચલનની નોંધ લેવાય છે. અંધારામાં પણ  હલનચલનની નોંધ લઈ શકાય છે. કચ્છના આહીરપટ્ટીમાં ગામના લોકોમાં વન્યજીવ પ્રત્યે પ્રેમ અને લાગણી જોવા મળે છે. કચ્છના ઘણા વિલુપ્ત પ્રાણીઓ આ વિસ્તારમાં જોવા મળે છે. હાલમાં  આહીરપટ્ટીમાં ડુંગરમાંથી સૂકી નદીના પટમાં પ્રતીક જોશી અને તેમની ટીમના હરિ માતા, વત્સલ છેડાએ કેમેરા ટ્રેપ મૂકયા હતા. પાંચ કલાકમાં નદીના પટમાં જગલી જાનવરો આવી પહોંચ્યા હતાં. દીપડાએ 21 મિનિટ સુધીનો સમય ગાળ્યો હતે. દીપડા  ઉપરાંત  શિયાળ અને નોળિયો પણ કેમેરામાં ઝડપાઈ ગયાં હતાં.  અગાઉ  તસવીરકારે જંગલી બિલાડી, રણની બિલાડી, શિયાળ અને પાંચ બચ્ચા કેદ કર્યા છે. હાલ તેઓ કચ્છમાં વિલુપ્ત થતા અને ગુજરાતમાં કચ્છમાં જ જોવા મળતા હેણોત્રો અને આંગળીના વેઢે ગણાય એટલા વરૂની શોધમાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છમાં આશરે 30 દીપડાની નોંધ છે. કચ્છમાં દીપડા  દ્વારા કયારેય માનવ હુમલો નથી થયો. કચ્છમાં દીપડા ટોચના શિકારી પ્રાણી છે એટલે નિશ્ચિંત રહેતા હોય છે અને શાંત સ્વભાવના તથા એકલવાયું જીવન વ્યતીત કરતા હોય છે. કચ્છ ભૌગોલિક દૃષ્ટિએ વિશાળ ફલક ધરાવે છે અને દીપડાની વસતી ઓછી છે એટલે માનવ અને પ્રાણીનું ઘર્ષણ નથી થયું. કયારેક માલધારી દીપડા સુધી પહોંચી જાય છે, પરંતુ માલધારી તેની સાથે રહેતા શીખી ગયા છે. ટેકરી, ડુગરાળ અને પથરાળ વિસ્તારમાં જોવા મળતા દીપડા ઉનાળામાં પાણીના સ્રોત નજીક આકર્ષાતા હોઈ ગામ નજીક દેખાતા હોય છે, પરંતુ કોઈને હાનિ પહોંચાડતા નથી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer