99,99,99,999 નવકારમંત્ર જાપમાં વિશ્વભરના જૈન-જૈનેત્તરો જોડાયા

99,99,99,999 નવકારમંત્ર જાપમાં વિશ્વભરના જૈન-જૈનેત્તરો જોડાયા
ભુજ, તા. 31 : સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારી સંકટમાં વિશ્વભરના જીવોની રક્ષા માટે જૈન ધર્મના પુણ્યપ્રભાવક એવા નવકાર મહામંત્રના 99,99,99,999 સામૂહિક જાપનું આયોજન નવકાર પરિવારના ઉપક્રમે જૈનોના તમામ ફિરકાઓએ સાથે મળીને કર્યું હતું, જેમાં જૈનોના આચાર્ય ભગવંતો, શ્રમણ-શ્રમણીવૃંદ સાથે શ્રાવક-શ્રાવિકાઓ, જૈન-જૈનેત્તરો જોડાયા હતા.  સવારે 8-41 મિનિટે શરૂ થયેલા આ નવકાર મંત્ર જાપ બપોરે 12-41 મિનિટે પૂરા થયા હતા. સમગ્ર વિશ્વ કોરોના સંકટમાંથી મુક્ત બને તેવી પ્રાર્થના સાથે નવાણું કરોડ, નવાણું લાખ, નવાણું હજાર, નવસો નવાણું નવકાર મંત્રજામપાં સૌ જોડાયા હતા. નવકાર મહામંત્રના સ્મરણથી જગતના સર્વે જીવોને શાતા મળે, એવા ભાવ સાથે યોજાયેલા આ જાપમાં સમગ્ર વિશ્વ સાથે કચ્છ પણ જોડાયું હતું. પૂ. મુનિભગવંતો, પૂ. સાધ્વીશ્રી ભગવંતો, મહાસતીજીઓએ પ્રેરક પ્રેરણા આપી હતી. કોરોના મહામારીને નાથવા આ આયોજન ધર્મેશ નિસર, નવકાર પરિવાર, સમગ્ર જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.  કચ્છના 72 જિનાલય મહાતીર્થે તપસ્વીરત્ન, અચલગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ. ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા. તથા મુનિભગવંતો, સાધ્વીશ્રી ભગવંતોએ જાપ કર્યા હતા. જૈનોના ગુરુભગવંતો જ્યાં જયાં બિરાજમાન છે તેવા ઉપશ્રાય, સ્થાનકોમાં તથા કચ્છમાં દરેક શહેરો-ગામો જ્યાં જૈનોની વસતી છે, ત્યાં સમૂહજાપ યોજાયા હતા. સરકારની ગાઈડલાઈન અને નિયમોનું પાલન કરી દરેક ભાઈ-બહેનોએ પોત-પોતાના ઘરમાં બેસીને સમૂહજાપ કર્યા હોવાનું પ્રબોધ મુનવરે જણાવ્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer