કચ્છીઓ ગૌરવ લઈ શકે એવાં ભુજનાં પિતા-પુત્રી કોરોના વોરિયર્સ

કચ્છીઓ ગૌરવ લઈ શકે એવાં ભુજનાં પિતા-પુત્રી કોરોના વોરિયર્સ
વસંત અજાણી દ્વારા-  ભુજ, તા. 31 : લોકડાઉન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી વાયુ સંદેશામાં કોરોના વાયરસના ચેપને અટકાવવા માટે પરિવાર પોતાની બિલકુલ ચિંતા કર્યા વગર માત્ર ને માત્ર કોરોનાગ્રસ્તોની સેવામાં લાગેલા ડોક્ટર, પેરામેડિકલ ટીમ, પોલીસ, સફાઈ કામદારો, મીડિયાકર્મી વિગેરેની કામગીરી બિરદાવીને પ્રોત્સાહન પુરું પાડી રહ્યા છે. ત્યારે કચ્છીઓ પણ ગૌરવ લઈ શકે એવા બે કોરોના  યોદ્ધા પિતા-પુત્રીની જોડી કોરોનાને હરાવવા માટેની લડાઈનો હિસ્સો બની છે. મૂળ અબડાસા તાલુકાના મોટી વરંડી ગામના અને છેલ્લા 27 વર્ષથી પોલીસ ખાતાંમાં ફરજ બજાવતા ધનજીભાઈ મહેશ્વરી અને તેમની 22 વર્ષીય દીકરી ડો. શિવાની મહેશ્વરી બી.જે. મેડિકલ કોલેજમાંથી જાન્યુઆરી 2020માં એમ.બી.બી.એસ.ની પરીક્ષા ફર્સ્ટ ક્લાસ પાસ કરીને ઈન્ટરર્નશિપ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં કોવિડ-19 વોર્ડમાં સેવા બજાવી રહી છે. એમ.ડી. (મેડિસિન) થવાની ઈચ્છા ધરાવતી ડો. શિવાનીએ કચ્છમિત્રને જણાવ્યું કે શરૂઆતમાં કોરોના દર્દીઓની સારવારમાં ક્યાંય ચેપ પોતાને લાગી જશે એવો ભય રહેતો હતો. પણ જેમ જેમ ફરજમાં આગળ વધતી ગઈ તેમ ભય ઓછો થતો ગયો અને હવે પૂરજોશથી કામગીરીમાં લાગી છું. બાર ધોરણ સુધી ભુજની માતૃછાયામાં ભણેલી શિવાની કોરોનાને એક સામાન્ય બીમારી ગણે છે. સાવચેતી રાખવી જરૂરી છે. માસ્ક પહેરવું ફરજિયાત છે. તેના બે ફાયદા છે. એક પોતાની સુરક્ષા અને બીજાની પણ સુરક્ષા રહે છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં દર્દીઓની સંખ્યા વધુ આવતી હોવાથી સારવાર દરમિયાન લોડના કારણે ક્યાંક દર્દીની અપેક્ષા કરતાં ઓછું ધ્યાન આપવાથી સિવિલની છાપને લોકો નકારાત્મક રીતે જુએ છે. પણ ડોક્ટર્સ સારવાર બરાબર આપે છે. મને એ વાતની ખુશી છે કે હું અને મારા પિતા જે વર્ષોથી પોલીસ ખાતાંમાં ફરજ બજાવે છે એટલે અમારા પરિવાર માટે ગૌરવ લઈ શકાય એવા કામમાં અમે જોડાયેલા છીએ. શિવાનીએ પોતાની મેડિકલ ક્ષેત્રની સફળતામાં માતા રમાબેન જે પોતે શિક્ષિત છે અને પિતા તથા સ્કૂલ-કોલેજના શિક્ષકોના પ્રોત્સાહન બળને યશ આપ્યો હતો. ધનજીભાઈ હાલે કચ્છ કલેક્ટરના બંગલે સુરક્ષા ગાર્ડમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, કુટુંબીજનો અને મિત્ર વર્તુળ કપરા સમયમાં પિતા-પુત્રીની ફરજને બિરદાવીને અભિનંદન પાઠવી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer