ચક્રવાતની આગાહીના પગલે તંત્ર સાવચેત

ચક્રવાતની આગાહીના પગલે તંત્ર સાવચેત
કાઠડા (તા. માંડવી), તા. 31 : વર્ષાઋતુ અને વાવાઝોડાની આગાહીના પગલે તેની સાવચેતીના આયોજન માટે વહીવટીતંત્રે કમર કસી છે. માંડવી મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી કે. જે. ચૌધરીના અધ્યક્ષસ્થાને  યોજાયેલી બેઠકમાં તાલુકાની સંબંધિત કચેરીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં વર્ષાઋતુ દરમિયાન સંભવિત વાવાઝોડા કે પૂરની પરિસ્થિતિ સર્જાય તો તંત્રે કેવાં પગલાં ભરવાં તે અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં ગ્રામ્ય, તાલુકા અને શહેરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અદ્યતન કરવા, કોમ્યુનિકેશન જાળવી રાખવા, દરેક કચેરીએ કન્ટ્રોલ રૂમના સંપર્કમાં  રહેવા, પોતાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરી દેવા, રેસ્કયુ ટીમ બનાવવા, યાંત્રિક સાધનો,  મશીનરી, વાહનો સ્ટેન્ડબાય રાખવા, પીવાનાં પાણી માટે ટેન્કરોની વ્યવસ્થા, શેલ્ટરની વ્યવસ્થા, આવશ્યક ચીજવસ્તુઓ, ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા જળવાઇ?રહે તે જોવા ઉપરાંત સિંચાઇ વિભાગે ડેમ, બંધારાની સ્થિતિ ચકાસી લેવા, દરિયાકિનારાના નીચાણ વિસ્તારના રહેવાસીઓ, માછીમારોની સલામતી, સ્થળાંતર માટે બસની સુવિધાઓ, મેડિકલ સેવાઓ જાળવવા સહિતની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત કોવિડ-19 સંદર્ભ તકેદારી જળવાય તેનું ધ્યાન રાખવા પણ સૂચનો કરવામાં આવ્યા હતા.મામલતદાર આર. બી. ડાંગી તરફથી કન્ટ્રોલ રૂમની જવાબદારી નિભાવવા સાથે સ્ટાફને એલર્ટ રહેવા સૂચનો કર્યા હતા. નાયબ મામલતદાર મહેસૂલના નિલમ્કાબેન બારડ પૂરક માહિતી સાથે સહયોગી રહ્યા હતા અને તેમાં  તાલુકા પંચાયત, નગરપાલિકા, માર્ગ મકાન વિભાગ, ક્ષાર નિયંત્રણ, પશુ દવાખાનું, ટીએચઓ, પાણી પુરવઠા, સિંચાઇ, પાર્ટ કચેરી, એસ.ટી., તિજોરી, આઇસીડીએસ, પોલીસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer