`સંવેદના, બૌદ્ધિકતા અને આધ્યાત્મિકતા એ ત્રણેયને સંકલિત કરવાં પડશે''

`સંવેદના, બૌદ્ધિકતા અને આધ્યાત્મિકતા એ ત્રણેયને સંકલિત કરવાં પડશે''
ભુજ, તા. 30 : મેનેજમેન્ટ ક્ષેત્રના આયામ નવેસરથી ઘડવાના રહેશે. ઈમોશન (લાગણી), ઈન્ટેલેક્ચ્યુઅલ (બૌદ્ધિક) અને સ્પીરિચ્યુઅલ (આધ્યાત્મિક) એ ત્રણેયને વ્યવહારમાં સંકલિત કરવાના જરૂરી બની રહેશે, એમ કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને અર્થશાત્રી ડો. તુષાર હાથીએ તાજેતરમાં યોજાયેલા વેબિનારમાં જણાવ્યું હતું. કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ દ્વારા `ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટી ઈન મેનેજમેન્ટ અન્ડર પોસ્ટ કોવિડ-19' વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિસોર્સ પર્સન મુખ્ય વક્તા તરીકે ડો. હાથીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં મેનેજમેન્ટ કોઈ કેવળ એક જ ચીજથી નહીં ચાલે. તો જ સર્વગ્રાહી મેનેજમેન્ટ તરફ પહોંચી શકાશે. બીજું તેમણે સંશોધન ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, યથાર્થ સંશોધન કરે, એવું કામ કરો કે જેનાથી તમારી સમાજમાં ઓળખ થાય. વેબિનારના પ્રમુખસ્થાનેથી યુનિ.ના કુલપતિ ડો. જયરાજ જાડેજાએ કહ્યું હતું કે,  આ સમયમાં 20થી 30 ટકા નોકરીઓ ઘટી જશે. આ સંજોગોમાં માનવને પૈસા કરતાં વધારે મહત્ત્વ આપવું જોઇશે. દરેક જણે પોતાની જાતને  સંજોગો પ્રમાણે વાળવી પડશે અને નવીનતા લાવવી પડશે. સ્થળાંતર કરી ગયેલા શ્રમિકોનો પ્રશ્ન ભારત માટે બહુ મોટો  છે. ઉદ્યોગોને નવું વર્કિંગ મોડેલ બનાવવું પડશે. અધ્યાપકોને ઓનલાઇન આવવું પડશે. વિભાગના વડા પ્રાધ્યાપક ડો. પી. એસ. હીરાણીએ વક્તાના પરિચય સાથે આવકાર આપ્યો હતો. વેબિનારના ઇવેન્ટ કો-ઓર્ડિનેટર ડો. હેતલ પી. શાહ રહ્યા હતા. પ્રશ્નોત્તરી સંચાલન શાહીન મેમણે સંભાળ્યું હતું. જ્યારે આભારવિધિ કમલ દેસાઈએ કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer