એ.ટી.એમ. ઉચાપત કેસમાં ગાંધીધામના ધારાશાત્રી બે દિનના રિમાન્ડ ઉપર

એ.ટી.એમ. ઉચાપત કેસમાં ગાંધીધામના ધારાશાત્રી બે દિનના રિમાન્ડ ઉપર
ગાંધીધામ, તા. 31 : આ સંકુલ તથા અંજાર, ભચાઉના જુદા-જુદા 44 એ.ટી.એમ.માંથી રૂા. 2.94 કરોડની ઉચાપત કાંડમાં પકડાયેલા ધારાશાત્રીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ અંગે મળતી વિગતો મુજબ વર્ષ 2012માં આ બનાવ બહાર આવ્યો હતો. આ બનાવમાં અંતે રાજ્યની આંતકવાદ વિરોધી ટુકડી (એ.ટી.એસ.)ને તપાસ સોંપવામાં આવી હતી. આ ટીમે હાલમાં આદિપુરના ધારાશાત્રી દિલીપ જોશીને પકડી પાડયા હતા. આ ધારાશાત્રીના કોરોના ટેસ્ટ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડને આજે બપોરે 24 કલાક થતાં ધારાશાત્રીને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા હતા. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ ધારાશાત્રીએ પોતાની પોલીસ કસ્ટડી ખેટી હોવાની રજૂઆત કરી હતી. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એવા ન્યાયાધીશ એમ.આર. ઠક્કરે એ.ટી.એસ. અને ધારાશાત્રીની દલીલો સાંભળ્યા બાદ આ કસ્ટડી યોગ્ય હોવાનું કહી અને ધારાશાત્રીના બે દિવસના તા. 2-6 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. એ.ટી.એસ.ની ટીમ હવે ધારાશાત્રીને રાજસ્થાન બાજુ લઇ જઇ શકે છે તેવી શક્યતા સૂત્રોએ દર્શાવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer