ગાયત્રી યજ્ઞથી વાયુમંડળને સેનિટાઇઝ કરવામાં આવ્યું

ગાયત્રી યજ્ઞથી વાયુમંડળને સેનિટાઇઝ કરવામાં આવ્યું
ભુજ, તા. 31 : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજના આદેશ અનુસાર સમગ્ર વિશ્વમાં તા. 31 મે-20ના `ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ'નું અભિયાન ચલાવવામાં આવ્યું, જે અંતર્ગત ગાયત્રી શક્તિપીઠ-ભુજનાં માધ્યમથી ભુજ શહેરમાં 500થી વધુ ઘરમાં મોબાઇલ પંડિત-યુ ટયૂબનાં માધ્યમથી દરેક પરિજન દ્વારા સવારના 9 વાગ્યાથી યજ્ઞ  શરૂ કરવામાં આવેલા. એકસાથે આ રીતે સમગ્ર ભારત તેમજ 100 દેશમાં આ આધ્યાત્મિક પ્રયોગ કરવામાં આવ્યો, જેનો મુખ્ય ઉદ્દેશ કોરોનાના મહાસંકટમાંથી વિશ્વનો બચાવ અને કલ્યાણ થાય. આ અંતર્ગત સદબુદ્ધિના મહામંત્ર ગાયત્રી મંત્રની 24 આહુતિઓ તેમજ 5-મહામૃત્યુંજય મંત્રની આહુતિ આપવામાં આવી હતી. આ સાથે કોરોના રોગના નાશ માટે અથર્વવેદના વિશેષ મંત્રોની આહુતિ પણ આપવામાં આવી હતી.વિશેષમાં ગાયત્રી પરિવાર કોલકાતા યુવા ગ્રુપના પર્યાવરણ આંદોલન અંતર્ગત નિયમિત ચાલતા સાપ્તાહિક વૃક્ષારોપણના 500મા રવિવારે સમગ્ર વિશ્વમાં 15000થી વધુ વૃક્ષોનું વાવેતર લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ પોતાના ઘરની આસપાસ કરવામાં આવ્યું હતું. આ રીતે ગાયત્રી પરિવાર દ્વારા ધર્મતંત્રથી લોકજાગરણના કાર્યક્રમો હંમેશ થતા રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાયત્રી શક્તિપીઠ ભુજના કાર્યકર્તાઓએ પ્રચાર-પ્રસાર માટે સખત મહેનત કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer