રાપર તાલુકામાં પચ્ચીસ તળાવો ઊંડાં કરવાનું કામ શરૂ

રાપર તાલુકામાં પચ્ચીસ તળાવો ઊંડાં કરવાનું કામ શરૂ
રાપર, તા. 31 : તાલુકામાં તળાવોને ઊંડાં કરવા માટે સમર્થ ટ્રસ્ટે બીડું ઝડપ્યું હતું. ઉપરાંત આદિવાસીવાંઢ વિસ્તારોમાં અંદાજે બે હજાર જેટલા મજૂર પરિવારોને રાશનકિટ, આરોગ્યલક્ષી સાધનો વિ. વસ્તુનું વિતરણ કરાયું હતું.  અમદાવાદ અને ગાગોદર, બાલાસર સ્થિત સમર્થ ટ્રસ્ટ દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી ગજાલાબેન પૌલ, પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર આશિષ મહેતા દ્વારા રાપરમાં જુદા-જુદા ગામોગામ સીમતળાવ, ચેકડેમ સહિતના અંદાજે પચ્ચીસ જેટલાં તળાવને ઊંડાં કરવા માટે કામગીરીનો તાલુકા વિકાસ અધિકારી ડી. જે. ચાવડાના હસ્તે પ્રારંભ કરાયો હતો. આ અંગે સમર્થ ટ્રસ્ટના નરેન્દ્ર ચાવડા અને ધર્મેન્દ્ર હોથીએ જણાવ્યું હતું કે, રાપરમાં જુદા-જુદા ગામોમાં આવેલાં ગામતળાવ અને સીમતળાવ, ચેકડેમ ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જે વરસાદ આવ્યે પશુઓ, ખેડૂતો અને વન્ય પ્રાણીઓને ઉપયોગી સાબિત થશે. ડાવરી, શિરાનીવાંઢ, આણંદપર, વરણુ, માનગઢ વિ. ગામો સહિત પચ્ચીસ ગામે જુદા-જુદા દાતાઓના સહયોગથી તળાવ ઊંડાં કરાશે. આજથી શરૂ કરવામાં આવેલી કામગીરી દરમિયાન શ્રી ચાવડા, હરેશ પરમાર, ગજાલાબેન, શ્રી મહેતા, નરેન્દ્ર ચાવડા, બળવંતભાઈ રાઠોડ, ધર્મેન્દ્ર હોથી, પવન અતકરી, દિનેશ ઓઝા, નરશી મશાલિયા, ઉમેદ મકવાણા, દેવીબેન રબારી, સરપંચ રવાભાઈ મૂછડિયા, ઉપસરપંચ મોતીસિંહ સોઢા વિ. ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કોરોના વાયરસના કહેર વચ્ચે સમગ્ર દેશની સાથે રાજ્યમાં લોકોને ભારે નુકસાન થયું છે. જીવન જરૂરી ચીજો માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રાપર તા.ના આદિવાસીવાંઢ વિસ્તારમાં બે હજાર જેટલા મજૂર પરિવારોને રાશનકિટ, આરોગ્યલક્ષી સાધનો, માસ્ક સહિતની ચીજ-વસ્તુઓ આપી મદદરૂપ બનવા પ્રયાસ કરાયો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer