નર્મદા મુદ્દે કચ્છનું રાજકારણ ગરમાયું

ભુજ, તા. 31 : કચ્છની જીવાદોરી સમાન નર્મદા નહેરના કામો મુદ્દે પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ `સરકારની ઈચ્છાશક્તિના અભાવે કામ થતાં નથી' તેવાં કરેલાં નિવેદનને પગલે જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાટો આવી ગયો છે. એક તરફ ખુદ શ્રી છેડાએ બીજી અખબારી યાદી દ્વારા સાફ કર્યું છે કે કચ્છના સાંસદ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વખતોવખત ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરે જ છે, પણ રાજ્ય સરકારની ઈચ્છાશક્તિના અભાવે કામ આગળ વધતું નથી અને તેથી જ નાછૂટકે વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરવી પડી છે. બીજી તરફ ભુજના ધારાસભ્ય કહે છે કે રાજકીય ઈચ્છાશક્તિ ન હોય તો ટપ્પર ડેમ ન ભરાત, શિણાય ડેમમાં પાણી ન પહોંચત, નકારાત્મકતા છોડી આવાં નિવેદનથી બચવું જોઈએ, અન્ય કેટલાક નેતાઓએ સૂર વ્યક્ત કર્યો છે કે તમામ આગેવાનોએ એક થવું જોઈએ. પૂર્વ રાજ્યમંત્રી શ્રી છેડાએ સતત બીજા દિવસે પોતાના નિવેદનને વળગી રહીને આપેલી બીજી યાદીમાં સ્પષ્ટ કર્યું છે કે, કચ્છમાંથી વખતોવખત રજૂઆત થાય છે, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ખાતરી આપે છે, કચ્છની ધરતી પરથી પણ ખાતરી અપાય છે, પણ નર્મદાનું પાણી પહોંચતું નથી. અગાઉ યુદ્ધના ધોરણે કામ થયું તો વાગડ સુધી પાણી પહોંચતું થઈ ગયું. કચ્છ માટે અત્યંત મહત્ત્વની આ નહેરનું કામ જ્યારે યુદ્ધના ધોરણે હાથ ધરાયું ત્યારે મોડકૂબા સુધી કેનાલ પહોંચી ગઈ, પરંતુ વર્તમાન સરકારને અનેક રજૂઆત કરવા છતાં સરકારની ઈચ્છાશક્તિના અભાવે કામ આગળ વધતું નથી અને નાછૂટકે  વડાપ્રધાન સુધી વાત પહોંચાડવાની ફરજ પડી છે. આ પ્રશ્ને જિલ્લાના સાંસદ વિનોદભાઈ ચાવડાનો ફોન રેંજ બહાર આવતો હોવાથી તેમનું નિવેદન મળ્યું ન હતું. જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે તેમણે વખતોવખત તક મળી ત્યારે આ પ્રશ્ને વ્યક્તિગત તથા સામૂહિક ધોરણે સરકારનું ધ્યાન દોર્યું છે. રાપર તા.માં નંદાસર પાસે નર્મદા નહેર પરનો પૂલ તૂટી ગયો તેનું સમારકામ પણ માંડ શરૂ થયું છે. સરકાર સાથે સીધો સંપર્ક ધારાસભ્યોનો હોવાથી જ્યારે પણ તક મળી જિલ્લાના આગેવાનો સાથે નર્મદા નહેર માંગી છે. સરકાર બજેટમાં નાણાં ફાળવે છે એ જ દર્શાવે છે કે એની ઇચ્છાશક્તિ છે એવું કહેતાં રાપરના પૂર્વ ધારાસભ્ય અને વાગડ માટે નહેર પાણી લાવવા ખાસ્સા ઝઝૂમનાર યુવા અગ્રણી પંકજભાઇ મહેતાનું કહેવું છે કે કચ્છને હવે વિલંબ પાલવે એમ નથી એ હકીકત છે. કચ્છના રાજકીય-સામાજિક-સરકારી બધા જ ક્ષેત્રના જવાબદારોએ મળીને ગાંધીધામ-મુંદરાના ખેડૂતોને સમજાવી જમીન સંપાદન પ્રશ્નનું તાકીદે નિરાકરણ લાવવું જોઇએ. રાપરમાં એક પણ ખેડૂતે જમીન સંપાદનમાં વિઘ્ન નહોતા સર્જ્યા. કોન્ટ્રેક્ટરનું કામ એક પણ દિવસ મોડું એટલે જ નહોતું થયું. જ્યાં જરૂર પડી રૂબરૂ જઇ હાથ જોડી સમજાવટ કરી રસ્તા કાઢ્યા. કોન્ટ્રેક્ટરને ખર્ચમાં નુકસાન જતું હતું ત્યાં ફાળા કરીને ચૂકવ્યા પણ કામ પૂરું કરાવ્યું. આવું સૌએ સાથે મળીને હવે જે ગણતરીના કિલોમીટરનું નહેરનું કામ બાકી છે તેના માટે કરવું પડશે. વાગડને વધુ ફાયદો તો જ થશે જો નહેર મોડકુબા સુધી વહેશે. જ્યારે રાજ્ય સરકારમાં કચ્છનું સીધું પ્રતિનિધિત્વ કરતા રાજ્યમંત્રી વાસણભાઈ આહીરનો આ સંવેદનશીલ મુદ્દે સંપર્ક સાધતાં તેમણે પૂર્વ રાજ્યમંત્રી શ્રી છેડા પોતાના રાજકીય ગુરુ હોવાથી `નો કોમેન્ટ' એટલું કહીને ફોન કાપી નાખ્યો હતો. પૂર્વ રાજ્યમંત્રીના નિવેદન સામે સરકારનો પક્ષ લેતા ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ સાફ કહ્યું હતું કે આવા નિવેદન કરતાં પહેલાં પૂરતો અભ્યાસ કરવો જોઈએ, નિગમના ઈજનેરોને મળવું જોઈએ, સમસ્યા જાણવી જોઈએ. પૂર્વ રાજ્યમંત્રી જેવી સિનિયર વ્યક્તિ ઈચ્છાશક્તિનો અભાવ વર્ણવે એ યોગ્ય નથી. જો રાજ્ય સરકારની ઇચ્છાશકિત ન હોત તો બજેટમાં નાણાં ન ફાળવાત. ટપ્પર ડેમ ન ભરાત, શિણાય ડેમમાં પાણી ન ઠલવાત અને વાગડમાં પણ દુધઇ બ્રાન્ચ કેનાલ ન બંધાત. લોકડાઉનના બે મહિના  તમામ કામગીરી અટકી તેથી આ કામોનો વેગ પણ મંદ પડયો, બાકી રાજ્ય સરકાર એક દિવસ પણ કચ્છ સુધી પાણી પહોંચાડવામાં વિલંબ કરવા માંગતી નથી.સૌરાષ્ટ્રને  મળેલી `સૌની' યોજના જેવી ઝડપ કચ્છમાં નથી એના કારણો જાણવા માંગતા ધારાસભ્યએ કહ્યું હતું કે, નાના-મોટા પ્રશ્નો છે. શિણાય ગામ કોર્ટમાં ગયું છે પણ અમારી સતત રજૂઆત છે કે, ટેન્ડર બહાર પાડો. આજે માંગ્યા વગર મા પણ પીરસતી નથી. તેથી માંગવું તો પડે પણ જે રીતે નિવેદન થાય છે તે, નકારાત્મકતાભર્યા વર્તાય છે. સરકારે દુકાળમાં કચ્છની કેવી સંભાળ લીધી, સબસિડી, ઘાસ, પાણી ખુદ મુખ્યમંત્રી દર 15 દિવસે ભુજ કે કચ્છ આવ્યા અને એ વખાણવાને બદલે વખોડાય એ શોભાસ્પદ નથી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer