રાત્રે આઠ સુધી વેપાર-ધંધા ચાલુ રાખી શકાશે

ભુજ, તા. 31 : એક જૂનથી સમગ્ર દેશમાં અનલોક-એકના પ્રથમ તબક્કાની શરૂઆત થઇ રહી છે, ત્યારે કચ્છ જિલ્લામાં પણ 30 જૂન સુધી અમલી રહે તે રીતે કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ અંગે તબક્કાવાર નિર્ણય લેવાયો છે જે અંતર્ગત નગરપાલિકા બહારના વિસ્તારમાં રાત્રિના આઠ સુધી આર્થિક પ્રવૃત્તિઓ વેપાર-ધંધા ચાલુ  રાખવાનો આદેશ જારી કરાયો છે. જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.એ બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યા અનુસાર જિલ્લામાં જાહેર થયેલા અને હવે પછી થનારા કન્ટેઇનમેન્ટ-માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સવારે સાતથી સાંજે સાત સુધી આવશ્યક ચીજવસ્તુના વેચાણની પરવાનગી અપાવવા સાથે આવા?ઝોનમાં  રહેતા  શ્રમિકો-કામદારો ઝોનની બહાર અવર-જવર કરી શકશે નહીં. કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં  સવારે આઠથી સાંજ સાત સુધી વેપાર-ધંધા ચાલુ રાખી શકાશે. પ્રવાસન સ્થળો, સામાજિક, રાજકીય મેળાવડા, શાળા-કોલેજ, કોચિંગ ક્લાસ ખોલવા પર પ્રતિબંધ છે, પણ ઓનલાઇન શિક્ષણને  અનુમતિ આપવામાં આવી છે. સિનેમા હોલ, વોટર પાર્ક, જાહેર બગીચા સહિત પર પ્રતિબંધ યથાવત રહેશે. એસ.ટી.ની સાથે ખાનગી બસો જીએસઆરટીસીની એસઓપી મુજબ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે.  જો કે ઊભા રહી પ્રવેશ કરી શકાશે નહીં. ખાનગી ઓફિસો વર્ક ફોર હોમને પ્રોત્સાહન આપે તેવું સૂચન કરાયું છે. રેસ્ટોરન્ટ, રસોડાં હોમ ડિલિવરી માટે ચાલુ રાખી શકાશે. ઓટો રિક્ષા, ટેક્સી-કેબમાં એક ડ્રાઇવર અને બે મુસાફર, તો  વાહનની ક્ષમતા છથી વધુ હોય તો ચાર જણ પ્રવાસ કરી શકશે.  આઠમી જૂનથી હોટલ-ક્લબ ચાલુ કરી શકાશે. ધાર્મિક સ્થળો, સામાજિક અંતરના પાલન સાથે ખુલ્લા રાખી શકાશે. મોટા મેળાવડાઓ યોજી શકાશે નહીં. 65 વર્ષથી વધુ વયની વ્યકિતઓ, રોગ ધરાવતી વ્યકિતઓ, સગર્ભાઓ તેમજ 10 વર્ષથી નીચેની વયના બાળકોને ઘરમાં રહેવા સલાહ અપાઇ છે. પરવાનગીવાળી દુકાનો માત્ર પરમિટ હોલ્ડર માટે ચાલુ રાખી શકાશે. લગ્ન પ્રસંગોમાં 50થી વધુ અને અંતિમ સંસ્કાર વિધિમાં 20થી વધુ વ્યકિત જોડાઇ નહીં શકે. ગુડઝ ટ્રાન્સપોર્ટ કોઇપણ પ્રતિબંધ વિના ચાલુ રાખી શકાશે. જાહેર સ્થળે માસ્ક ન પહેરનારા અને શહેરમાં થૂંકનાર પાસેથી 200 રૂા.નો દંડ વસૂલાશે. કામકાજના સ્થળે પ્રવેશવાના તેમજ બહાર નીકળવાના પોઇન્ટ, કોમન એરિયામાં થર્મલ ક્રીનિંગ, હેન્ડ વોશ, સેનિટાઇઝરની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા, નિયમિત સેનિટાઇઝેશન કરવા, ફેશ કવરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવા, મિટિંગો-મુલાકાત ટાળવા માટેની માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer