ડિપ્રેશનની અસર તળે 4-5 જૂને કચ્છમાં હળવા-મધ્યમ વરસાદની આગાહી

ભુજ, તા. 31 : દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં કેરળ નજીક એક લો પ્રેશર સર્જાયું છે. આ લો પ્રેશર બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા વચ્ચે રાજ્યના હવામાન વિભાગે અનેક વિસ્તારમાં વરસાદ વરસવાની આગાહી કરી છે, ત્યારે 4 અને 5 જૂનના કચ્છમાં પણ કેટલાક સ્થળે હળવો-મધ્યમ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં  આવી છે.જારી કરાયેલા બુલેટિનમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની કરેલી આગાહી વચ્ચે કચ્છમાં તો કેટલાક સ્થળે જ વરસાદ વરસવાની સંભાવના દેખાડાઇ છે. દરમ્યાન પવનની ગતિ મંદ પડતાં જ બફારા-ઉકળાટનું પ્રમાણ નોંધનીય રીતે વધ્યું છે. મહત્તમ પારો 37થી 39 ડિગ્રી વચ્ચે નોંધાતાં તપત ઓછી અનુભવાઇ પણ પરસેવે રેબઝેબ કરી મૂકે તેવો ઉકળાટ વર્તાયો હતો. નોંધનીય છે કે સંભવિત વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઇ કંડલા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. સ્થાનિક પ્રશાસને પણ આવશ્યક તકેદારીનાં પગલાં ભરવાં માટેની કવાયત આરંભી દીધી હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer