ફતેહગઢમાં દારૂનો દરોડો પાડવા ગયેલી પોલીસ પર હુમલો

ગાંધીધામ, તા. 31 : રાપર તાલુકાના ફતેહગઢ ગામમાં દેશી દારૂની રેઇડ કરવા ગયેલી પોલીસ ઉપર ત્રણ મહિલા સહિત છ શખ્સોએ હુમલો કર્યો હતો. આ બનાવમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. બીજી બાજુ ભચાઉનાં શિવલખામાં માર્ગ મુદ્દે છ શખ્સોએ ત્રણ યુવાન ઉપર તલવાર, ધારિયાથી જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ ગાંધીધામના ભારતનગર-9બીમાં બે શખ્સોએ એક યુવાનને માર માર્યો હતો.રાપર પોલીસ મથકના ફોજદાર એચ.એમ. પટેલ તથા એ.એસ.આઇ. ધીરજ પરમાર, કોન્સ્ટેબલ નાથાભાઇ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, રવજીભાઇ પટેલ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ગેડી પાટિયા પાસે આવતા ફતેહગઢના હેતુભા મદારસંગ જાડેજા અને તેનો દીકરો કાળુભા જાડેજા દેશી દારૂ રાખી તેનું વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમી આ ટીમને મળી હતી.આ બાતમીના આધારે પોલીસ ફતેહગઢમાં હેતુભાના ઘરે પહોંચી હતી. તેના કબ્જાના વાડાની તલાશી લેવાતાં ત્યાંથી એક લિટરની ક્ષમતાવાળી 11 થેલી દારૂ મળી આવ્યો હતો. આ અંગે પોલીસ હેતુભાની પૂછપરછ કરી રહી હતી તેવામાં તેનો દીકરો મહેન્દ્રસિંહ લાકડી લઇને આવ્યો હતો આ શખ્સે કોન્સ્ટેબલ નાથા પરમારના પગમાં લાકડી ફટકારી હતી અને ઝઘડો કરવા લાગ્યો હતો. તેવામાં કાળુભા જાડેજા કુહાડી લઇને ત્યાં આવ્યો હતો. તેણે ફોજદાર એચ.એમ. પટેલ ઉપર કુહાડીનો ઘા કરતાં તેમણે માથું નમાવી નાખતાં બચી ગયા હતા. આ શખ્સ સાથે આવેલા નયનાબા સૂરજસંગ સોઢા, જનકબા હેતુભા જાડેજા અને પ્રેમબા હેતુભા જાડેજાએ પણ પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. આ પૈકી એક મહિલાએ ધીરજ પરમારને પટ્ટા વડે માર માર્યો હતો.આ મારામારી-ઝઘડા દરમ્યાન પોલીસે મહેન્દ્રસિંહ અને કાળુભાને પકડી પાડયો હતો, જ્યારે અન્ય આરોપીઓ નાસી છૂટયા હતા. પોલીસ ઉપર હુમલાના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. આ બનાવને પગલે ઉપરી અધિકારીઓ, એલસીબી સ્ટાફ, આસપાસના પોલીસ મથકોની પોલીસ અહીં દોડી આવી હતી. પોલીસની ફરજમાં રૂકાવટ, જીવલેણ હુમલો સહિતની કલમો તળે આ છ લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.બીજી બાજુ શિવલખા ગામના અઘોરિયાના ધોવા પાસે મારામારીનો બનાવ બન્યો હતો. ગામમાં રહેતા દશરથસિંહ રાસુભા જાડેજા, અભયસિંહ અમરસંગ અને વિજયસિંહ ઉદયસિંહ નામના યુવાન કાર લઇને ખેતરે ગયા હતા. આ ત્રણેય  પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં દોતલસિંહ અજુભા જાડેજા અને જશુભા ભીમજી રાઠોડ ટ્રેકટર લઇને ઊભા હતા. આ શખ્સોએ યુવાનોની કાર ઊભી રખાવી હતી અને આ જગ્યાએ અમારું જેસીબી-ટ્રેકટરથી કામ થવાનું છે. જેથી તમારો રસ્તો ફેરવી નાખજો અને બીજીવાર અહીંથી નીકળજો નહીં તેવું કહેતાં યુવાનોએ અહીંથી ન નીકળીએ તો કયાંથી જઇએ અમે તો અહીંથી જ જશું તેવું કહ્યું હતું. તેવામાં આ શખ્સોએ અન્યોને ફોન કરી અહીં બોલાવી લીધા હતા. થોડીવારમાં અનોપસિંહ અલિયાજી જાડેજા, પ્રતાપસિંહ ચમનસિંહ રાઠોડ, અનિરુદ્ધસિંહ પ્રતાપસિંહ રાઠોડ, રણજિતસિંહ ઉદયસિંહ રાઠોડ બે કાર લઇને ત્યાં આવી પહોંચ્યા હતા. આ છ શખ્સોએ કુહાડી, લાકડી, તલવાર અને ધારિયા વડે હુમલો કરતાં દશરથસિંહને ગંભીર પ્રકારની ઇજાઓ પહેંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને પ્રથમ લાકડિયા અને બાદમાં રાજકોટ ખાતે સારવાર અર્થે લઇ જવાયો હતો. જીવલેણ હુમલાના આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.મારામારીનો ત્રીજો બનાવ ગાંધીધામના 9-બીમાં નવદુર્ગા સોસાયટીમાં બન્યે હતો. મકાન નંબર 6-01માં રહેતા દીપક અશોક કોળી પોતાના ઘરે હતો ત્યારે વિજય ગઢવી અને ચિરાગ રાજપૂત તથા મિત સથવારા નામના શખ્સો તેના ઘરે આવ્યા હતા અને તારો ધર્મનો ભાઇ નવીન રોય કયાં છે. એક મહિના પહેલાં તેણે ગાયને ગાડી અડાવી હતી. તેને ઘરમાંથી બહાર કાઢ તેમ કહેતા હતા અને અમે ગૌરક્ષકવાળા છીએ તેમ કહી ગાળો આપતા હતા. આ શખ્સોએ ધક્કામુક્કી કરી નવીનને માર મારતાં તેને આંખ ઉપર ઇજાઓ પહોંચી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer