હોટલ ઉદ્યોગમાં સ્ટાફ ઘટ મોટો પડકાર

હેમાંગ પટ્ટણી -કુલદીપ દવે દ્વારા- ભુજ/ગાંધીધામ, તા. 31 : કેન્દ્ર સરકારે અનલોક-1ની જાહેરાત કરી 8 જૂનથી હોટલોને ફરી ધમધમતી કરવાની  મંજૂરી આપી છે ત્યારે હોટલ ઉદ્યોગ દિવાળી સુધી પાટે ચડવાની વ્યકત કરાયેલી  ધૂંધળી સંભાવના વચ્ચે હોટલો કાર્યરત થયા બાદ તેનું સ્વરૂપ કેવું હશે તે અંગે વિધવિધ પ્રકારના  સવાલો  ઊઠતા જોવા મળી રહ્યાની વાત આ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યવસાયકારો જણાવી રહ્યા છે.  હોટલ-રેસ્ટોરેન્ટમાં કામ કરતો મોટાભાગનો સ્ટાફ પોતાના વતનમાં પરત ચાલ્યો ગયો હોવાના લીધે હોટલ-રેસ્ટોરન્ટના સંચાલકોને માટે તો હજુ મુશ્કેલીનો દોર ખતમ થયો ન હોવાનું ચિત્ર ઊપસીને સામે આવતું દેખાઇ રહ્યું છે. ચોથા લોકડાઉન પૂર્વે શરૂ થયેલા શ્રમિકોની વતનવાપસીના દોરે હોટલ ઉદ્યોગને કારમો ફટકો પહોંચાડયો હતો. આ ઉદ્યોગને બેઠા થતાં ઓછામાં ઓછા છ માસ લાગશે તેવું આ  ક્ષેત્ર સાથે સંકળલાયેલા વ્યવસાયકારો જણાવી ચૂકયા છે. હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા અગ્રણી હોટેલિયર હેમલ માણેકે કહ્યું કે, હોટલ ઉદ્યોગની સ્થિતિ અતિ કફોડી છે. ભુજ શહેર અને તાલુકાની 60 હોટલ છે એ પૈકી 20 હોટલને  ખાસ કિસ્સામાં કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેમણે  એમ કહ્યું કે, હવે સ્થિતિ એવી સર્જાશે કે અત્યારે સ્ટાફ જે તે હોટલમાં રોકાયેલો રહ્યો છે, પોતાના વતનમાં જવાની માંગ કરી રહ્યો છે. જ્યારે હોટલો ફરીથી ખૂલશે ત્યારે હોટલમાં કામ કરતો સ્ટાફ જો પોતાના વતનમાં ચાલ્યો ગયો હશે તો બેવડો માર વેઠવો પડશે. ઓક્ટોબર માસ સુધી હોટલ ઉદ્યોગ પાટે ચડે તેવી સંભાવના ધૂંધળી દેખાઇ રહી છે.ભુજ રેસ્ટોરન્ટ એસોસિયેશનના પ્રમુખ?અજય પુષ્પદાન ગઢવી તેમજ સાત્ત્વિકદાન ગઢવીએ પણ આ વાતમાં પોતાનો સૂર પુરાવતાં કહ્યું કે, બે માસ કરતાં વધુ સમયથી 80થી વધુ રેસ્ટોરન્ટ બંધ પડયાં છે. 75 ટકા સ્ટાફ પોતાના વતનમાં ચાલ્યો ગયો છે. માંડ 25 ટકા સ્ટાફ જ સ્થાનિકે ઉપલબ્ધ છે. કેટલું નુકસાન થયું તે બાબત પર પ્રકાશ પાડતાં કહ્યું કે, ભાડાં, સ્ટાફનો પગાર તેમજ અન્ય ખર્ચા જોતાં પ્રાથમિક અનુમાન મુજબ ઓછામાં ઓછું અઢીથી ત્રણ કરોડનું   નુકસાન તો  થઈ ચૂક્યું છે. રેસ્ટોરેન્ટની તુલનાએ હોટલોને નુકસાની એટલા પ્રમાણમાં વેઠવી પડી છે કે નુકસાનીનો આંક અધધધ એટલે કે કરોડોમાં નહીં પણ અબજોમાં હોવાની સંભાવના આ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયકર્તાઓ વ્યક્ત કરી રહ્યા છે.ગાંધીધામની પાંચ તારક હોટલ  રેડીશનના એમ.ડી  મુકેશભાઈ આચાર્યે કહ્યંy હતું કે શ્રમિકોના વતન જવાથી  હોટલ ઉદ્યોગને  નોંધપાત્ર અસર નહીં થાય અલબત્ત  આ ઉદ્યોગમાં ચોકકસ પ્રકારના કામની  કુશળતા ધરાવનાર વર્ગની અછત સર્જાશે. હોટલો શરૂ કરવાની મંજૂરી  મળ્યા બાદ 3 તારકથી ઉપર હોટલોને સંપૂર્ણ રીતે  થાળે પડતાં 3 મહિના જેટલો સમય જશે. જો 50 ટકા બુકિંગ મળે તો જ હોટલ ચાલુ કરવી શકય બને અન્યથા ખર્ચે પરવડે તેમ નથી. હોટલ ચાલુ કરીએ તો સ્ટાફે  ફરી કામ ઉપર  આવવાની તૈયારી દર્શાવી છે. પ્રવાસનક્ષેત્રને વિકસાવવાના ઉદેશ સાથે સરકારે   હોટલ બનાવવા ઈચ્છુકો માટે વર્ષ 2015 અને 2020માં રાહત આપતી યોજના શરૂ કરાઈ હતી જેને વધુ એક વખત પાંચ વર્ષ માટે  વધારવી જોઈએઁ.  આ ઉદ્યોગને   પુન:પાટે ચડાવવા   હોટલ માલિકોને    લાઈટ બિલના મિનિમમ ર્ચાજમાં છ મહિના સુધી  તથા જી.એસ.ટી.માં છૂટછાટો  આપવી જોઈએ. તેમજ વ્યાજ મુક્તિ પણ આપવી  જોઈએ.ગાંધીધામ હોટલના અતુલભાઈ મૈસુરાણીએ કહ્યંy હતું કે   રેલ અને વિમાન સેવા ચાલુ  થઈ હોવાથી અને  બે-બે મેજર પોર્ટ હોવાથી   અત્રે    પ્રવાસીઓ આવતા હોવા છતાં તેને સેવા આપી  શકાતી નથી.  હાલમાં  50 ટકા સ્ટાફના આધારે  હોટલ  શરૂ થઈ શકે એમ છે. લોકડાઉનના કારણે આ ઉદ્યોગને ભારે  નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.આ સંજોગોમાં  લોકોને  હોટેલ સુધી  લાવવા  માટે વિશ્વાસ કેળવવો મુશ્કેલી ભર્યુ સાબિત થશે કારણે  વધતા જતાં કેસોના કારણે  લોકોમાં ડરનો માહોલ છે તેવું ગાંધીધામની હોટલે શિવ રેસીડેન્સીના  હાર્દિક પટેલે જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યંy  કે  હાલ એક તો સ્ટાફ  ઉપલબ્ધ નથી જો હોટલને પુન: ધમધમતી કરવી હોય તો સ્ટાફને  ફોન  કરી કરીને  બોલાવવા પડે . હોટલ શરૂ કરવા  એક મહિના જેટલો  સમય લાગે. આ સ્થિતિમાં સરકાર  કેટલા ઉદ્યોગોને  કેટલા પ્રમાણ સુધી રાહત આપી શકે.  સ્થિતિ  થાળે પડતાં હજુ દિવાળી સુધીનો સમય જશે તેવું તેમણે ઉમેર્યું હતું.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer