કન્ટેઈનમેન્ટ ઝોન પણ હવે બે ભાગમાં વિભાજિત થશે

ભુજ, તા. 31 : લોકડાઉનના ચાર તબક્કા પછી કોરોના સંક્રમણની જારી સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે અનલોક-1ના પહેલાં ચરણમાં કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં મોટાભાગની વ્યવસાયિક સહિતની અન્ય પ્રવૃત્તિઓમાં મોટી છૂટછાટ આપી છે, ત્યારે કચ્છમાં હાલની સ્થિતિએ એક્ટિવ એવા 24 જેટલા કન્ટેઈનમેન્ટ ઝોનને હજુ તો છૂટછાટો માટે રાહ જોવી પડે તેવું સરકારની માર્ગદર્શિકા પરથી દર્શિત થતું દેખાઈ રહ્યું છે, તો કન્ટેઈનમેન્ટ ઝોનને પણ બે તબક્કામાં વિભાજિત કરવાની પ્રક્રિયા પણ આરંભવામાં આવી હોવાનું ભુજ સ્થિત યુનિફાઈડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલિંગ સેન્ટરમાંથી સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. ડિઝાસ્ટર મામલતદાર સી.આર. પ્રજાપતિએ વિગતો આપતાં કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ હવે લોકડાઉન અંતર્ગતના તમામ કડકાઈભર્યા નિયંત્રણો માત્ર કન્ટેઈનમેન્ટ ઝોનમાં લાગુ થવાના છે ત્યારે સરકારમાંથી મળેલા દિશાનિર્દેશ અનુસાર કન્ટેઈનમેન્ટ ઝોનનું પણ બે ભાગમાં વિભાજન કરવાની સૂચના મળી છે.જે અંતર્ગત જ્યાં કોઈ વિસ્તારની સોસાયટી-ગામ કે મહોલ્લામાં એકલ-દોકલ કેસ નોંધાયા હોય અને પોઝિટિવ કેસ દેખાયા બાદ વધુ સંક્રમણના કેસો દેખાયા ન હોય તેનો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાશે તો જ્યાં વધુ પ્રમાણમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તે વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે સમાવેશ કરી આવશ્યક ચીજવસ્તુના પરિવહનને છૂટ આપવામાં આવી છે. માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં જે ગામ કે નગરમાં કેસ દેખાય તેના મોટા વિસ્તારને સીલ કરવાને બદલે ફળિયા કે સોસાયટીને જ સીલ કરી આવશ્યક નિયંત્રણો લદાશે. કચ્છમાં હાલ 24 જેટલા કન્ટેઈનમેન્ટ ઝોન સક્રિય સ્થિતિમાં છે. જો કે તેમાંથી માઈક્રો કન્ટેઈનમેન્ટ તારવવાની પ્રક્રિયા હાલમાં જારી હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. જિલ્લાના આ કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતી 30 હજારથી વધુ માનવવસતીને હજુ તો આ બંધનમાં નિયત સમયમર્યાદા માટે જકડાયેલા રહેવું પડશે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer