રાત્રે નવ સુધી દુકાનો ખૂલી રાખવા દ્યો

ભુજ, તા. 31 : સરકાર દ્વારા લોકડાઉન-5 તથા અનલોક-1 અન્વયે આવેલી માર્ગદર્શિકામાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતનો પડઘો પડયો હોવાનો દાવો કરી કચ્છમાં કોઇ મહાનગરપાલિકા ન હોવાથી દુકાનો રાત્રે 9 સુધી ખૂલી રાખવાની પરવાનગી હાલના સંજોગોમાં મળવી અતિજરૂરી હોવાનું જણાવ્યું છે. ચેમ્બર પ્રમુખ અનિલ ગોરે નવી માર્ગદર્શિકાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું. કે, અમારી રજૂઆતનો પડઘો પડયો હોય તેવું જણાય છે. દુકાનો ખોલવા માટેની ઓડ-ઇવન પદ્ધતિનો અંત આણવાનો સરકારાનો નિર્ણય યોગ્ય છે. શ્રી ગોરે વધુમાં ઉમેર્યું હતું કે, રાત્રે નવથી સવારે પાંચ વાગ્યા સુધીના પ્રતિબંધિત સમયને જોતાં સરકાર દ્વારા મ્યુનિસિપલ એરિયામાં સવારે આઠથી સાંજે સાત વાગ્યા સુધી તથા તે સિવાયના વિસ્તારોમાં સવારે આઠથી રાત્રે આઠ વાગ્યા સુધી દુકાનો ખૂલી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ પાછળ સરકારનો આશય લોકો સરળતાથી નવ વાગ્યા સુધીમાં ઘેર પહોંચી જાય તેવો છે જે ઉમદા છે, પરંતુ આ વ્યવસ્થા મોટા શહેરો માટે જરૂરી છે. જ્યારે કે કચ્છની વાત કરીએ તો અહીં કોઇ મહાનગરપાલિકા હેઠળના મહાકાય શહેરો ન હોઇ લોકોને તેમના ઘેર પહોંચવા માટે વધારે સમય લાગતો નથી. આવા સંજોગોમાં જો ફેસ-1 મારફતે તા. 8-6થી દુકાનો ખૂલી રાખવા માટેના સમયમાં ફેરફાર કરીને રાત્રે નવ વાગ્યા સુધીની પરવાનગી આપવામાં આવે તો વેપારીઓને ધંધો કરવા માટે પૂરતો સમય મળી રહેશે જે હાલના સમયમા અત્યંત જરૂરી છે. સમયમાં વધારો થવાથી વેપારીઓની સાથેસાથે કચ્છના ઉદ્યોગની ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થશે અને આત્મનિર્ભર ભારત અભિયાન વેગવંતુ થશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer