જમીન વિશેના ચાલતા વિવાદમાં ભુજના વકીલને ટાંટિયા ભાંગી ખૂનની ધમકી

ભુજ, તા. 31 : શહેરમાં રહેતા મૂળ માંડવી તાલુકાના પાંચોટીયા ગામના વતની અને વ્યવસાયે ધારાશાત્રી એવા મગનભાઇ આર. ગઢવીને જમીન વિશેના વિવાદમાં ભાડા ગામના સરપંચ દ્વારા ટાંટિયા ભાંગી નાખવા સાથે મારી નાખવાની ધમકી અપાઇ હોવાની લેખિત ફરિયાદ પોલીસ સમક્ષ કરાઇ છે.એડવોકેટ મગન ગઢવીએ તેમની સાથે આજે મધ્યાહને બનેલી કહેવાતી ધાકધમકીભરી આ ઘટના બાબતે જિલ્લા પોલીસ નિયંત્રણ કક્ષના મારફતે માંડવી પોલીસને આ લેખિત ફરિયાદ ભાડા ગામના સરપંચ વરજાંગ રામ ગઢવીની વિરુદ્ધ આપી હતી. તેમણે આ બાબતે ગુનો દાખલ કરી યોગ્ય કાયદાકીય પગલાં લેવાની માગણી કરી હતી.આજે મધ્યાહને આ યુવાન વકીલના મોબાઇલ ફોન ઉપર કોલ કરીને ભાડાના સરપંચે ટાંટિયા ભાંગી નાખવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. હવે પછી પોતાને કોઇ શારીરિક હાનિ થાય અથવા તો પોતાની સાથે અપહરણ જેવી કોઇ ઘટના બને તો તે માટે આજની ઘટનાને કેન્દ્રમાં રાખીને કાયદાકીય જોગવાઇઓ મુજબ પગલાં લેવાની ફરિયાદમાં માગણી કરાઇ હતી.મોટા લાયજા ગામે સર્વે નંબર 254 ખાતે આવેલી એડવોકેટ શ્રી ગઢવીની બાબતે ચાલતા વિવાદના અનુસંધાને આ ઘટના બન્યાનું પણ પોલીસ સમક્ષ આ કેફિયતમાં લખાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer