રામપરની તલાટી યુવતીને સરપંચ પતિ દ્વારા ધમકી : ફોજદારી દાખલ

ગાંધીધામ, તા. 31 : ભચાઉ તાલુકાના રામપર ગામના મહિલા તલાટી સહમંત્રીને જમીનનું ખોટું પંચનામું કરી આપવા નહીંતર જાનથી મારી નાખવાની ધમકી આપનાર મહિલા સરપંચના પતિ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.રામપર ગામના તલાટી સહમંત્રી અને સામખિયાળી ગામમાં રહેતા ચારૂલબેન નવીનપુરી ગુંસાઇએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ગત તા. 28/5ના પોતાના ઘરે હતા ત્યારે રામપરના સરપંચ ખીમીબેનના પતિ લગધીર કેસર મણકાએ તેમને ફોન કર્યો હતો. આ શખ્સે ફોન ઉપર કહ્યું હતું કે સરકારી જમીનમાંથી વીજ લાઇન નીકળવાની છે તે સરકારી જમીનનું ખોટું પંચનામું તમે કરી આપો. તલાટીએ આ અમારી ફરજમાં આવતું નથી અને પંચનામું નહીં કરી આપું તેવું કહેતાં આ શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને પંચનામું નહીં કરી આપો તો મારા ગામમાં પગ મૂકવા નહીં દઉં અને જાનથી મારી નાખીશ તથા ગામમાં આવીશ તો કપડાં કાઢી આખા ગામમાં ફેરવવાની ધમકી આપી હતી. પોલીસ મથકે લખાવાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ આ શખ્સે અગાઉ પણ તલાટીની ફરજમાં વિઘ્ન ઊભા કર્યા હતા પરંતુ આ અંગે પોલીસ ફરિયાદ કરાઇ નહોતી. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer