પૂર્વ કચ્છમાં 23 ટ્રેન મારફત 23,000 શ્રમિકની વતન વાપસી

ગાંધીધામ, તા. 31 : લોકડાઉનના કારણે  અટવાયેલા શ્રમિકો માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેનોની સુવિધા દ્વારા તેમના વતન પરત મોકલવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તે પૈકી પૂર્વ કચ્છના ગાંધીધામથી 23 ટ્રેન મારફત 23,000 શ્રમિકને વતન વાપસી કરાવાઈ હતી. ગાંધીધામથી સૌપ્રથમ ટ્રેન  ગત તા. 9 મેના બિહારના દાનાપુર ખાતે મોકલવામાં આવી હતી અને સંભવિત છેલ્લી ટ્રેન ગત તા. 30ના ઓરિસ્સાના બાલાસોરની રવાના કરાઈ હતી. પૂર્વ કચ્છમાંથી ઉત્તરપ્રદેશની 6, બિહારની 7, મધ્યપ્રદેશની 3, આસામની  2, ઓરિસ્સાની 2,  ઝારખંડની 1, પશ્ચિમ બંગાળની  1 અને આંધ્રપ્રદેશની એક ટ્રેન રવાના કરાઈ હતી. શરૂઆતમાં રેલવે દ્વારા 1200  અને ત્યારબાદ 1600 શ્રમિકના પરિવહનની મંજૂરી આપવામાં આવી હતી. વતન વાપસીની કામગીરી જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ અંજારના પ્રાંત અધિકારી ડો. વિમલ જોષી,  પૂર્વ કચ્છ પોલીસ વડા પરીક્ષિતા રાઠોડના નિરીક્ષણ હેઠળ કરવામાં આવી હતી.વિવિધ કચેરીઓની કામગીરી ઉપર નજર કરીએ તો શ્રમિકોની નોંધણીની કામગીરી, ગાંધીધામ અને અંજાર મામલતદાર કચેરી ખાતે કરાઈ હતી. ગાંધીધામ મામલતદાર ચિરાગ હિરવાણીયા અને અંજાર મામલતદાર અફઝલ મંડોરીની ટીમ દ્વારા કોરોનાની અન્ય કામગીરીના ભારણ હેઠળ પણ નોંધણી બાદ કૂપન આપવા, મેડિકલ ક્રીનિંગ     કરાવવું, ટિકિટની વ્યવસ્થા કરવી, રેલવે પ્રશાસન સાથે સંકલન કરવું, શ્રમિકોને ઘરેથી રેલવે સ્ટેશન પહોંચાડવા, સ્ટેશન ઉપર જ તમામને ફૂડપેકેટ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા સહિતની કામગીરી પાર પાડવામાં  આવી હતી. 23,000 કરતાં પણ વધુ શ્રમિકની વિગત એકત્ર કરી, તેની એન્ટ્રી કરી, દરેકને સમયાંતરે  ટ્રેન અંગે જાણ કરવાની કામગીરી પણ પાર પાડી હતી.આરોગ્ય વિભાગના ડો. દિનેશ સુતરીયા અને ડો. આર.એ. અંજારિયાના માર્ગદર્શન તળે મેડિકલ ટીમ દ્વારા તમામ શ્રમિકોનું મેડિકલ ચેકઅપ કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં. નિયત સ્થળોએ ચેકઅપ કર્યા ઉપરાંત અન્ય તાલુકાના કેટલાક શ્રમિકો અને છેલ્લી ઘડી સુધી આવનાર શ્રમિકો માટે રેલવે સ્ટેશન ખાતે આરોગ્ય તપાસની વ્યવસ્થા કરવામાં આવી હતી.અંજાર ડીવાયએસપી ડી.એસ. વાઘેલા અને તેમની ટીમ દ્વારા કાયદો વ્યવસ્થાની કામગીરી સંભાળવામાં આવી હતી. ખાસ કરીને ગાંધીધામ બી. ડિવિઝન  અને રેલવે પોલીસના જવાનોએ શ્રમિકોને સામાજિક અંતર સાથે ટ્રેનના કોચમાં બેસાડવાની કામગીરી પાર પાડવામાં આવી હતી. બન્ને તાલુકાના મુખ્ય અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીની  ટીમ દ્વારા શ્રમિકોની નોંધણી અને આરોગ્ય તપાસના સ્થળે મંડપ સહિતની સુવિધા, રેલવે સ્ટેશન સુધી બસમાં બેસાડવાની કામગીરી, રૂટ સુપરવાઈઝર તરીકેની તમામ વ્યવસ્થા અને ટ્રેન સંબંધી સૂચનાઓની સત્વરે જાણ કરવાની કામગીરી કરાઈ હતી. જેમાં શિક્ષણ વિભાગના કર્મચારીઓએ પણ ફરજ બજાવી હતી. એરિયા રેલવે મેનેજર  આદિશ પઠાનીયાની ટીમ દ્વારા રેક ફાળવવી, જથ્થાબંધ ટિકિટોની વ્યવસ્થા કરવી, સ્ટેશન ઉપર સામાજિક અંતરની વ્યવસ્થા કરવી અને વહીવટી તંત્રના સંકલનમાં રહીને ટ્રેનોની સમય સારણી નક્કી કરવાની કામગીરી કરાઈ હતી. રાજય સરકારના મંત્રી વાસણભાઈ આહીર, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પાલિકા પંચાયતના હોદેદારોએ નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડયું હતું. ચેમ્બર ઓફ કોમર્સ, ભારત વિકાસ પરિષદ, આર.એસ.એસ. સહિતની છ અનેક સંસ્થાઓ સહયોગી બની હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer