પોર્ટના પેન્શનર-ફેમિલી પેન્શનરને આઈ કાર્ડ ન અપાતાં મુશ્કેલી

માંડવી, તા. 31 : પોર્ટના પેન્શનર-ફેમિલી પેન્શનરને આઈ કાર્ડ મળવા અંગે માંડવી બંદર જૂથ નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા ગુજરાત મેરિટાઈમ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારીને રજૂઆત કરાઈ હતી. આ યુનિયન દ્વારા માંડવી પોર્ટના પેન્શનર/ફેમિલી પેન્શનરોને આઈ કાર્ડ આપવા સ્થાનિક અધિકારી પાસે માગણી કરવામાં આવતાં આ બાબતે કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું હતું. પરંતુ આજ સુધી આઈ કાર્ડ આપવા બાબતે કોઈ નિર્ણય લેવાયો ન હોઈ સભ્યોના પેન્શનના કામમાં ઘણી જ મુશ્કેલી ઊભી થઈ છે. હાલ લોકડાઉનમાં ઘરની બહાર નીકળે છે ત્યારે સભ્યો પાસે આઈ કાર્ડ માગવામાં આવે છે અને તે ન હોતાં તેઓ બેન્કમાં કે પોર્ટ ઓફિસમાં જરૂરી કામે જઈ શકતા નથી. ફરજ પરના સુરક્ષાકર્મી તેમની ફરજ કડક રીતે પાલન કરે છે અને આઈ કાર્ડ ન હોય તો કોઈ દલીલ કર્યા વિના સીધા લાઠી જ ફટકારે છે. માંડવીમાં કેટલાક કર્મચારીઓ બાજુમાં સામા કાંઠે સલાયામાં રહે છે. તેમને તો ઉપરોક્ત જોખમ ઉપરાંત બેન્ક કે પોર્ટમાં આવવા-જવા માટે 50થી 100 રૂપિયા ભાડું ચૂકવવું પડે છે. ઉપરોક્ત વિગતને ધ્યાનમાં લઈ હાલના સંજોગો અનુસાર હંગામી ધોરણે આઈ કાર્ડ સ્થાનિકથી તમામ પેન્શનર/ફેમિલી પેન્શનરોને આપવા સ્થાનિક અધિકારીને જ તાકીદે સૂચના આપવા માંગ કરાઈ હતી. વધુમાં અગાઉ પણ રજૂઆત કરી હતી તે મુજબ સ્વખર્ચે આઈ કાર્ડ તૈયાર કરાવી ફોટા સાથે રજૂ કરવા તૈયાર હોતાં સ્થાનિક અધિકારીએ રેકર્ડ જોઈને ચકાસીને તેમની સહી કરી આપવી તેવી સૂચના તેઓને આપવા પણ માગણી કરાઈ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer