બોરીવલીથી ભુજ આવેલી ટ્રેન જાણે ઉકરડો

બોરીવલીથી ભુજ આવેલી ટ્રેન જાણે ઉકરડો
ભુજ, તા. 29 : વતન વાપસી અંતર્ગત ગુરુવારે રાત્રે બોરીવલીથી ઊપડેલી અને શુક્રવારે બપોરે 12 વાગ્યે ભુજ પહોંચેલી ટ્રેનમાં પાણીના અભાવે ટોયલેટમાંથી આવતી દુર્ગંધ, એક સીટમાં ત્રણ-ત્રણ પ્રવાસીના કારણે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ તેમજ સ્વચ્છતા મુદ્દે અનેક પ્રવાસીઓએ રેલવે પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. બોરીવલીથી અંદાજિત 1400 યાત્રિકોને લઈને પ્રસ્થાન કરી કચ્છ તરફ આવેલી ગાડીમાં પાણીની સગવડના અભાવે ટોયલેટ-વોશબેસીનમાં ગંદગી-ફેલાઈ ગઈ હતી. એક તો ગરમી અને બીજી બાજુ ક્ષમતાથી વધુ યાત્રામાં જોડાયેલા લોકોના કારણે સોશિયલ અંતર પણ જળવાયું નહોતું. મુસાફરોએ બળાપો કાઢતાં જણાવ્યું કે, વિદેશમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ અને ચાર્ટડ વિમાનથી સરકાર સહયોગ કરી રહી છે, જ્યારે વતનમાં સરકારની વિકાસ યાત્રામાં સહયોગી બનેલા લોકોને રેલવે મુસાફરી પણ માંડ માંડ નસીબ થાય છે અને એ મુસાફરી પણ જોખમી બને છે, જેનાં કારણે દેશમાં કોરોનાના દર્દીઓ વધવાની સાથે ચેપ વધુ પ્રસરી રહ્યો છે, ત્યારે રેલવે તંત્ર દ્વારા સાફસફાઈ પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂર છે. ભુજ રેલવે સ્ટેશને તમામ યાત્રિકોનું થર્મલ ક્રીનિંગ કરીને વિવિધ જગ્યાએ ઊભા કરાયેલા ક્વોરેન્ટાઈન સેન્ટરો પર બસ દ્વારા રવાના કરાયા હતા. ભુજમાં મુંબઈથી પ્રથમ ટ્રેન આવી હોવાથી રેલવે સ્ટેશનનો માહોલ થોડા સમય માટે રાબેતા મુજબ જેવો લાગતો હતો.  ઘણા યાત્રિકોના સગા-સંબંધીઓ પણ સ્ટેશન પર પહોંચી આવ્યા હતા. રાતા તળાવ પાંજરાપોળના સંસ્થાપક અને કચ્છી ભાનુશાલી સંત ઓધવરામ સત્સંગ મંડળના મનજીભાઈ માવ હાજર રહ્યા હતા. દરમ્યાન આ પ્રવાસીઓને વિવિધ ક્વોરેન્ટાઈન સેન્ટર ખાતે પહોંચાડવા આવી પહોંચેલી એસ.ટી. બસોના ડ્રાઈવરોને તંત્ર દ્વારા માસ્ક અને સેનિટાઈઝર ન અપાયા હોવાનો પણ આક્ષેપ ઊઠયો હતો.  
    1456 પ્રવાસીને પાંચ સ્થળે ક્વોરેન્ટાઈન કરાયા  આજે બોરીવલીથી ભુજ આવેલી સ્પેશિયલ ટ્રેનના 1456 પ્રવાસીઓને ભુજ તેમજ શિણાયમાં 5 અલગ-અલગ સ્થળે ક્વોરેન્ટાઈન કરાયા હતા. જે અંતર્ગત ભુજમાં સમરસ હોસ્ટેલ (બોયઝ)માં 261, સમરસ હોસ્ટેલ (ગર્લ્સ)માં 305, ગડાની વાયબલ રેસિડેન્સીમાં 434, કનૈયાબેના સદ્ગુરુ બ્લીસીંગમાં 172 તો શિણાયના પોલીસ હેડ ક્વાર્ટરમાં 284 લોકોને સરકારી ક્વોરેન્ટાઈન કરાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer