કચ્છમાં તૈયાર થઈ રહ્યો છે સાયક્લોન રિસ્પોન્સ પ્લાન

કચ્છમાં તૈયાર થઈ રહ્યો છે સાયક્લોન રિસ્પોન્સ પ્લાન
હેમાંગ પટ્ટણી દ્વારા-  ભુજ, તા. 29 : 1998 અને 1999ની સાલમાં વિનાશકારી વાવાઝોડાંનો સામનો કરી ચૂકેલું કચ્છ જે રીતે ભૂકંપના સક્રિય ઝોનમાં આવે છે. વિશાળ વિસ્તાર ધરાવતા આ જિલ્લામાં દરિયાઈ વિસ્તાર મોટા પ્રમાણમાં પથરાયેલો હોવાથી સમયાંતરે વાવાઝોડાંનો ખતરો ઊભો જ રહેતો હોય છે, ત્યારે સંભવિત વાવાઝોડાંની સ્થિતિ સર્જાય ત્યારથી જ કચ્છના તંત્રને કેવી અને કેવા પ્રકારની કામગીરી સાયક્લોનને લઈ કરવાની થાય છે તે સચોટ રીતે જણાવવા માટે રાજ્યમાં પ્રથમ વખત જિલ્લા સ્તરે સાયક્લોન રિસ્પોન્સ પ્લાન તૈયાર થઈ રહ્યો છે. આ પ્લાન તેની અમલવારીના અંતિમ તબક્કે પહોંચ્યો હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.  ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ ઓફિસર મેહુલ પઢારિયાએ વિસ્તૃત વિગતો આપતાં કહ્યું કે, કચ્છમાં જ્યારે જ્યારે વાવાઝોડાંની સ્થિતિ ઉદભવે અને જો સાયક્લોન કચ્છ પર કેન્દ્રિત હોય ત્યારે ભારે દોડધામની સ્થિતિ તંત્રમાં સર્જાતી હોય છે. ત્યારે આ દરિયાઈ આફત સામે ટક્કર ઝીલવા માટે તંત્રને વધુ સચેત બનાવવા માટે જિલ્લા માટે પ્રથમ વખત સાયક્લોન રિસ્પોન્સ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. સમગ્ર પ્લાન કેવા હશે તેના પર આછેરો પ્રકાશ પાડતાં ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ ઓફિસરે કહ્યું કે, આ પ્લાનમાં ચાર ટ્રેગર એટલે કે વિશેષ કલર કોડ નિર્ધારિત કરાશે. ભારતીય હવામાન વિભાગની વોર્નિંગ અને રાજ્ય સ્તરેથી મળેલી સૂચનાના આધારે સ્થાનિકે કચ્છ જિલ્લા માટે આ પ્લાન મુજબ કલર કોડ નિર્ધારિત કરાશે. જેવો કલર કોડ જાહેર કરાશે તેના આધારે કલર કોડ મુજબ કયા વિભાગે કયું કામ કરવાનું છે, આગોતરી સાવચેતીનાં કયાં પગલાં ભરવાનાં છે તેનો એક ચાર્ટ તૈયાર કરાશે, જેવો કલર કોડ જાહેર થશે તે સાથે ચાર્ટના આધારે સંબંધિત વિભાગોને કામની ફાળવણી કરી તે મુજબનું કામ કરવા માટે લાગી જવા સૂચના અપાશે. દેશના જે રાજ્યો વાવાઝોડાંથી સર્વાધિક પ્રભાવિત થાય છે ત્યાં તો આવા રિસ્પોન્સ પ્લાન પહેલેથી બનેલા છે, પણ  રાજ્યમાં પ્રથમવાર કચ્છમાં આ પ્રકારનો વિશેષ પ્લાન બનાવાઈ રહ્યો હોવાનું ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસરે વિગતો આપતાં કહ્યું હતું. આ ઉપરાંત વાવાઝોડાંની સ્થિતિ સમયે સ્થળાંતરિત થતા લોકો માટે માંડવી, મસ્કા, ભારાપર, ચુડવા અને મોટી ચીરઈ એમ પાંચ સ્થળે મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટરનું બાંધકામ પ્રગતિમાં હોવા સાથે જિલ્લામાં અન્ય સ્થળે આવા પ્રકારના મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર હોમ બનાવવા માટેની દરખાસ્ત પણ કરવામાં આવી છે. નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર પ્લાન તો પહેલેથી અમલી જ છે પણ જિલ્લા સ્તરે ગુજરાતમાં પ્રથમ વખત કચ્છે આવો પ્લાન બનાવવાની મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે, જેનાં પરિણામ આગામી સમયમાં સારાં જ હશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.અત્રે નોંધનીય છે કે 1998માં કચ્છને ધમરોળનાર વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત કંડલા વિસ્તાર થયો હતો. આ વાવાઝોડામાં 1485 લોકો તણાયા અને 1226 લાપતા થયા તેમાંથી 800 લોકોના મૃતદેહ હાથ લાગ્યા હતા. 1500 કરોડના મહાનુકસાન સાથે 6401 પરિવાર અસરગ્રસ્ત અને ત્રીસ હજારથી વધુ બેઘર બન્યા હતા. એ જ રીતે 1999ના વાવાઝોડાએ અબડાસા વિસ્તારમાં મોટી નુકસાની વહોરી હતી. 300 માછીમાર લાપતા થયા તો 448નાં મોત થયાં હતાં. 500 જેટલા ઊંટ સહિત ઘેટાં-બકરાં, ભેંસ મળી 41,000 પશુનાં મોત થયાં હતાં. સતત બે વર્ષ આવેલા મોટા વાવાઝોડાએ કચ્છને મોટો આર્થિક ફટકો પહોંચાડયો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer