વાયરો વેરી... `કચ્છી કેસર''ને કુદરતનો માર

વાયરો વેરી... `કચ્છી કેસર''ને કુદરતનો માર
પ્રશાંત પટેલ દ્વારા-  ભુજ, તા. 29 : ઉર્મિ સ્વાદના કારણે દેશ-દુનિયામાં પંકાયેલી કમાલની કેસર કેરીનો રણપ્રદેશ કચ્છની કૃષિ આધારિત અર્થવ્યવસ્થામાં સિંહફાળો છે. આવી મીઠી-મધુરી કેસર વાવતા કિસાનોથી કોરોના સંકટ વચ્ચે કુદરત રીસાણી હોય, તેમ ઉત્પાદનની દ્રષ્ટિએ છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયગાળાની ઈતિહાસમાં બીજીવાર આ વખતે વરસ નબળું રહ્યું છે. તેવો મત કૃષિ જગતના જાણકારો, કિસાનો એકી અવાજે વ્યક્ત કરી રહ્યા છે. આ વરસે માંડ 25 થી 30 ટકા જેટલો જ કેરીનો `ફાલ' હાથે લાગે એમ છે. ખેડૂતોએ 60થી 70 ટકા નુકસાની ભોગવવી પડી શકે છે. આમ્રફળના ઉત્પાદનમાં આવા વિક્રમી ઘટાડા પાછળ વિવિધ સ્વરૂપોમાં કેસરને કુદરતની કારમી થપાટ જ કારણરિત હોવાનો સૂર જાણવા મળ્યો હતો. કોરોના સંકટના કારણે `િનકાસ'ની બજારને `િવકાસ'ને વિધ્ન નડશે. કચ્છ બહારની બજાર મેળવવામાં પણ મુશ્કેલી પડશે. વધારામાં ફલાવરિંગ બાદ કરી લગતી વખતે વરસાદ વેરી બન્યો અને અત્યારે લણવાના ખરા સમયે જ જોશભેર ફુંકાયેલો વાયરો વેરી બન્યો છે. આમ, બન્ને કુલ ફળ ખરી પડતા કેસર કેરીએ કુદરતનો માર સહન કર્યો છે. આજની તારીખે છે, એ સ્થિતિએ નજર સામે રાખતાં ઓછા ફાલની સાથોસાથ કચ્છની ઘરેલુ બજારમાં આમ્રફળનું આગમન પણ વિતેલા વર્ષની તુલનાએ મોડું થયું છે અને વહેલા વરસાદનો વર્તારો સાચો પડે તો `રસના રસિકો' માટે આ વખતે પણ કેરીની મોસમ ટૂંકી રહી શકે છે. બઢતી સાથે રાજ્યના સંયુક્ત બાગાયત નિયામક તરીકે નિયુક્ત થયેલા અભ્યાસુ અધિકારી ડો. ફાલ્ગુન મોઢે `કચ્છમિત્ર'?સાથે વાત કરતાં કહે છે કે દર વખતે ટાઢ, તાપ, વરસાદ, વાયરાના રૂપમાં કચ્છી કેસરને કુદરતની માર પડે છે, પરંતુ આવા વિકટ સંજોગો વચ્ચે પણ હિમ્મત ન હારતા કચ્છના કર્મઠ કિસાનો વરસોવરસ વાવેતર વધારતા જઈ રહ્યા છે. એ ગૌરવ લેવા જેવી હકીકત છે. વિતેલા વરસના 60 હજાર ટન સામે આ વખતે 70 હજાર ટન આમ્રફળનું ઉત્પાદન થશે. કચ્છમાં કુલ 11 હજાર હેકટરમાં કેસર કેરીનું વાવેતર છે. દર વર્ષે વાવેતરમાં વધારો થઈ રહ્યો છે.કેરીની બજાર 15 જૂને સુધીની ગણીએ તો હવે એક માસ કરતાં પણ ઓછો સમય રહ્યો છે. એ જોતાં ફાલ અને સમયગાળો બન્ને ઓછા હોવાથી બજારમાં ટૂંકાગાળામાં મોસમની મીઠી કમાણી કરી લેવાની હોડ જામી જશે.જો કે અહીં કેરીના રસિયાગ્રાહક રાજા રાજી થાય,તેવી વાત કરીએ તો કેરી `પેરીશેબર' એટલે કે લાંબો સમય ટકી ન શકતાં બગડી જાય, તેવું ફળ છે એને જોતા તેનો સંગ્રહ ન થઈ શકે. આમ મોસમના છેલ્લા પખવાડિયામાં કેરી ફેંકી ન દેવી પડે, તે માટે વેપારીઓ ભાવ ઘટાડીને વેચી દેશે. આંબાના બગીચાના માસ્ટર અને આમપાળ, લંગડો કેસર, જામ્બો કેસર જેવા વિવિધ કેરી પકવતા અંજાર તાલુકાના ખેડોઈના સાહસિક કિસાન અગ્રણી વિક્રમસિંહ માધુભા જાડેજાએ `કચ્છમિત્ર' સાથે વાત  કરતાં કહે છે કે પહેલાં વરસાદના કારણે કાચી કેરીઓ પડી અને હવે પાકવા લાગી છે ત્યારે પણ પવનના સપાટા સાથે કેરીઓ સહન કરી શકતી નથી. આંબામાં બચેલી 25 થી 40 ટકા કેરીઓ ખરી પડી છે. પાકેલી કેરીઓ અન્ય રાજ્યોમાં મોકલવા ટ્રાન્પોર્ટેશન બહું ઓછા તૈયાર થાય છે એટલે આ વખતે સ્થાનિક બજાર અને રાજ્યમાં જ ઓછા ભાવે વેચવી પડે એમ છે. આશાપુરા ફાર્મના સૂત્રધાર કિસાન હરેશભાઈ મોરારજી ઠકકર કહે છે કે આ વરસે ફળના સ્વાદ, ગુણવતા શ્રેષ્ઠ છે. પરંતુ પવનના કારણે ફાલને ફટકો પડતાં ઉત્પાદન ઘટી શકે છે. તેમ છતાં સારી ગુણવત્તા વાળી કેરીને ભાવ સારા મળશે એવી આશા વ્યક્ત કરી રહ્યા છે. નખત્રાણા તાલુકાના વેસલપરના પ્રયોગશીલ કિસાન શાંતિલાલ દેવજી માવાણી કહે છે કે ફલાવરિંગ વખતે એવું લાગતું હતું કે કેરીના આ વખતે ઢગલા ઉતરશે. એવાં જબ્બર ફૂલ આંબે આવ્યાં હતાં. પરંતુ કેરી બેસી ત્યારે જ વરસાદ પડતાં કાચા ફાલને ફટકો પડયો હતો. ત્યારબાદ પાકવા આવી ત્યારે જોશભેર ફુંકાયેલા પવને કેરીને પટકી દેતા કચ્છની કેસરને કુદરતે બેવડી થપાટ આપી છે. શાંતિભાઈ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો પવનના સૂસવાટા તથા વરસાદના વર્તારાના કારણે કેસર પાકશે ત્યારે નહીં વેંચાય તો તેવા ભય વચ્ચે કાચી કેરી ઉતારીને ઓછા ભાવે વેચવા મંડયા છે.આ વખતે વિષમ હવામાનની અસરથી ફલાવરીંગ 10-15 દિવસ મોડું આવતાં કેરી પાકવામાં પણ મોડું થઈ ગયું છે. પરિણામે હવે વરસાદ વહેલો આવશે, તો વેંચાણ માટે ખેડૂતોને સમય ઓછો મળશે.  તેવું રામપર-રોહાના કિસાન ઈશ્વર મનજી પટેલ કહે છે. કચ્છમાં કેસર કેરીનો ગઢ ગણાતા માંડવી તાલુકાના ગઢશીશા, વિરાણી,  ભેરૈયા, મઉં, રત્નાપર, રાજપર, વડવા, પંથકના દેવપર-ગઢના બાગાયતી ખેતી કરતા ખેડૂત છગનભાઈ ધનજી ધોળુએ જણાવ્યું હતું કે મોટા ઝાડના બગીચામાં 50 ટકા અને નાના ઝાડના બગીચામાં તો 90 ટકા જેટલી કેરી પવનથી ખરી ગઈ છે. આવું જ જિયાપર, મંગવાણા, માધાપર, મંજલ, દેશલપર વિસ્તારમાં બન્યું હોવાનું ભુજ તાલુકાના દેશલપરના કિસાન મહેન્દ્ર જીવરાજ માવાણીએ જણાવ્યું હતું. વધુમાં ખાસ નોંધવા લાયક હકીકત એ પણ છે કે, અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્હી જેવા મેટ્રો સિટીના મોલમાં પણ કચ્છની કેસર કેરી જાય છે. રિલાયન્સ જેવા કોર્પોરેટ હાઉસિસે ઝંપલાવતા ઘરેલુ બજારમાં ઓછો માલ પહોંચવાથી પણ ભાવ ઉંચકાયા હોવાનું તારણ જાણવા મળે છે. વરસોવરસ વાવેતર વધે છે, તે કબૂલ પરંતુ પ્રતિકૂળ હવામાન દર વખતે જગતના તાત સાથે પડકાર સર્જે છે કૂંપળ જ કરમાઈ જાય તો કહો આંબે મોર જ કયાંથી આવે, તેવી હૈયાવરાળ કચ્છી કિસાનો ઠાલવી રહ્યા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer