ભુજ-આદિપુરમાં એક સાથે 18 જણ કોરોનામુક્ત

ભુજ-આદિપુરમાં એક સાથે 18 જણ કોરોનામુક્ત
ભુજ / ગાંધીધામ, તા. 29 : માર્ચથી મે મહિનાના બીજા સપ્તાહ સુધી કચ્છમાં રાહત બાદ કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો હતો, જેમાં ભચાઉ અને અંજાર તાલુકાના દર્દીઓ વધુ પ્રમાણમાં હતા.આદિપુરની કોવિડ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાંથી અગાઉ 16 દર્દીઆને રજા અપાયા બાદ આજે કુમળી વયની 29 દિવસની બાળકી સહિત 14 દર્દીઓ કોરોનામુક્ત બનતાં રજા આપવામાં આવી હતી. ભુજ જી.કે. જનરલમાંથી ચાર દર્દીઓને સ્વસ્થ થતાં રજા અપાઇ હતી. સ્વસ્થ થયેલા દર્દીઓનું રાબેતા મુજબ અભિવાદન થયું હતું તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા  કોરોનાના દર્દીઓની સારવાર કરતા સ્ટાફની પીઠ થાબડવામાં આવી હતી, જ્યારે દર્દીઓએ પણ સારવાર અંગે સંતોષ વ્યકત કર્યો હતે. પૂર્વ કચ્છના અંજાર, ભચાઉ,  રાપર તાલુકાના 37 દર્દીને હરિઓમ કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રથમ દાખલ થયેલા છ દર્દી બાદ બીજા તબક્કામાં ત્રણ અને ત્રીજા તબક્કામાં સાત દર્દી સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી. આજે ભચાઉ તાલુકાના 10 અને રાપર તાલુકાના ચાર દર્દીઓ સ્વસ્થ થતાં ફૂલ અને તાળીઓના ગડગડાટ સાથે રજા આપવામાં આવી હતી. સ્વસ્થ થયેલા દર્દીઓમાં વેલજી રણછોડ ગોઠી, પરબત વસ્તા ડુંબરિયા, રમીલા દિનેશ ડુંબરિયા, ગીતા સુમિત ડુંબરિયા, 20 દિવસની બાળકી હિરવા સુમિત ડુંબરિયા, જયેશ પરબત રાવલ, ભરત ખીમજી ભુટાક, પાયલ જયેશ રાઠોડ, વિશન નરશી લુહાર, બીના બેચર ડુંબરિયા, નીલેશ બેચર ડુંબરિયા, રણછોડ વસ્તા ગોઠી, રીતેશ કુંવરજી ડાંગાનો સમાવેશ થાય છે. આ વેળાએ ઉપસ્થિત રહેલા જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ તમામ કોરોનામુક્ત થયેલા તમામ દર્દીઓને સારા સ્વાસ્થ્યની  શુભકામના પાઠવી હતી. તેમજ તમામ દર્દીઓની સારી સારવાર કરવા બદલ તબીબો અને નર્સિંગ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. તમામ દર્દીઓની સારવાર કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના પાર પડી તે બદલ ડીડીઓએ આનંદની લાગણી વ્યકત કરી હતી. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સુધરાઈ પ્રમુખ કાનજી ભર્યા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, અંજારના પ્રાંત અધિકારી ડો. વી. કે. જોશી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયા, અંજારના તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાજીવ અંજારિયા, ડો. અંજુરાની, ડો. મોહિત ખત્રી, ડો. મોહનીશ ખત્રી, ડો. પાયલ કલ્યાણી, ડો. ભાવિન ઠક્કર, પુનિત દુધરેજિયા, વિજયસિંહ જાડેજા, ડો. પૂજા પરીખ, ડો. પાર્થ ઠક્કર વિગેરે હાજર રહ્યા હતા.  દર્દીઓને સ્વામિનારાયણ મંદિરની કિટ આપવામાં આવી હતી. હવે સાત દર્દી સારવાર તળે છે.  દરમ્યાન, ભુજમાંથી જેમને રજા મળી તેમાં ભચાઉ તાલુકાના ઘરાણાના શકીબેન રાજાભાઇ ડાંગર, ગાંધીધામના સાત્ત્વિક પી. ભુવડ, પૂજા ભુવડ અને પ્રણવ ભુવડનો સમાવેશ?થાય છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer