ગાંધીધામની અદૃશ્ય પોલીસ ફરિયાદનો ભેદ ખુલ્યો

ગાંધીધામની અદૃશ્ય પોલીસ ફરિયાદનો ભેદ ખુલ્યો
ગાંધીધામ, તા. 29 : શહેરના યુવાન વેપારી સચિન ધવનની ચકચારી હત્યાના આરોપી અફરોઝ અંસારીએ અન્ય એક વેપારીને વેપાર પોતાને આપવા નહીં તો મારી નાખવાની ધમકી આપી હતી. આ વેપારી પોલીસ મથકે ફરિયાદ કરવા જતાં તેમની સાથે ગયેલા કોંગ્રેસી અગ્રણી હાજી જુમા રાયમાને પણ આ ઇસમે ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે ગુપ્ત રીતે  તપાસ હાથ ધરી આરોપીને હરિયાણાથી પકડી લાવી હતી તેમજ તેના સ્થાનિકના સાગરીત ભચાઉના એક ઇસમની પણ ધરપકડ કરવામાં આવી હતી. આમ પોલીસે નોંધેલી બે અદૃશ્ય ફરિયાદનો રાજ અંતે ખુલ્યો હતો.શહેરના અપનાનગર વિસ્તારમાં રહેતા તથા કાસેઝમાં  જૂના કપડાંનો વ્યવસાય કરતા મહંમદ રફીક લાલા મહંમદ બારાને હરિયાણા પાનીપતના અફરોઝ શરફુદીન અંસારીએ ફોન કર્યો હતો.  આ ઇસમે વેપારીને  પોતાને વેપાર આપવા અન્યથા મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ વેપારીના ભાઇનું અપહરણ કરવાની ધમકી પણ આપી હતી.આ અંગેની પત્રકાર પરિષદને સંબોધતાં પોલીસવડા પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે,  આ ઇસમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જૂના કપડાંનો વ્યવસાય કરતા કાસેઝના  વેપારીઓમાં ભયનો માહોલ પેદા કરવા માગતો હતો. અહીં પોતાની ગેંગ ઊભી કરી આ વેપારને પોતાના હસ્તક કરવા માગતો હતો. આ ઇસમે સ્થાનિક ગુનેગારોને પણ પોતાની ટોળકીમાં લેવાનું શરૂ કર્યું હતું. અગાઉ તેને સચિન હત્યા કેસમાં આજીવન કેદની સજા થઇ હતી  અને બાદમાં તે હાઇકોર્ટમાંથી જામીન ઉપર મુકત થયો હતો. રફીક બારાને તેણે ધમકી આપતાં આ વેપારી તથા કોંગ્રેસી અગ્રણી હાજી જુમા રાયમા પોલીસ મથકે તેના વિરુદ્ધ ફરિયાદ કરવા ગયા હતા. તેવામાં આ ઇસમ અફરોઝે જુમાભાઇને ફોન કરી અમારી કોઇપણ બાબતમાં નહીં પડવા ધમકી આપી હતી. આ બનાવમાં ગાંધીધામ બી-ડિવિઝન અને એ ડિવિઝન પોલીસ મથકે બે જુદા જુદા ગુના નોંધાયા હતા. અલબત્ત આ અંગે કોઇ વિગતો જાહેર કરાઇ નહોતી. આ બનાવ બાદ પોલીસ હરકતમાં આવી હતી અને પીએસઆઇ એમ.એસ. રાણા, વી. જી. લાંબરિયા, રાજેન્દ્રકુમાર  પરમાર, રવિરાજસિંહ, જગદીશ સોલંકીની ટીમ હરિયાણા ગઇ હતી. ચાર દિવસ સુધી આ ટીમે આરોપીની ગતિવિધિ, લોકેશન વગેરેનો અભ્યાસ કર્યો હતો. આ ઇસમ હરિયાણા, ઉત્તરપ્રદેશના સીમાડાના ગામડાઓમાં  સતત હાજર રહેતો હતો.દિવસે આ ઇસમ પકડાય તેમ ન હોવાથી પોલીસે સ્થાનિક પોલીસ અને બાતમીદારોની મદદથી રાત્રિના ભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ઉત્તરપ્રદેશના સીમાડાના તથા યમુના નદીના કાંઠે આવેલા ગડી બેશક ગામમાં એક ખુલ્લા ખેતરમાં આ ઇસમ સૂતો હતો ત્યારે પોલીસે ત્યાં છાપો માર્યો હતો. પોલીસને જોઇ આ ઇસમ નાસવા લાગ્યો હતો. એકાદ કિ.મી.ની દોડ બાદ આ ઇસમ પોલીસની પકડમાં આવ્યો હતો. આ ઇસમે ભચાઉના અનવર જાન મામદ રાજાને પણ પોતાની ટોળકીમાં સામેલ કર્યો હતો. દરમ્યાન પોલીસે આ ઇસમની પણ ધરપકડ કરી હતી.આ અફરોઝ અંસારી વિરુદ્ધ સચિન હત્યાકાંડ?સહિત છ પોલીસ ગુના નોંધાયા હતા. તેમજ અનવર વિરુદ્ધ પણ?શનિદેવ મંદિર સામે હત્યા તથા અન્ય ત્રણેક ગુના દાખલ થયેલા છે. પોલીસવડાએ ઉમેર્યું હતું કે, અફરોઝ કાસેઝના વેપારીઓને ખંડણી માટે ફોન કરી અહીં પોતાનું આધિપત્ય જમાવવા માગતો હતો. આ બંનેના કોરોના ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ કોંગ્રેસી અગ્રણી ફરિયાદી વેપારી સાથે ગયા હતા, તેની માહિતી આ ઇસમ પાસે કેવી રીતે પહોંચી તેમજ ગાંધીધામમાં તેના અન્ય કોણ-કોણ સાગરીત છે તે સહિતની  તપાસ આદરવામાં આવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer