કોરોનાના દર્દીને પ્રોનિંગ થેરેપી દ્વારા ઓક્સિજનમાં સફળતા

કોરોનાના દર્દીને પ્રોનિંગ થેરેપી દ્વારા ઓક્સિજનમાં સફળતા
ભુજ, તા. 29 : કોરોના વાયરસના દર્દીને પથારી પર છાતી અડે તેમ ઊલટો સૂવડાવીને ઓક્સિજન આપવાથી શરીરમાં પ્રાણવાયુનું પ્રમાણ ઝડપભેર વધી જાય છે. પરિણામે, દર્દીને વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડતી નથી. `પ્રોનિંગ' થેરેપી તરીકે ઓળખાતી આ પ્રણાલી અપનાવતાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલે નેત્રદીપક સફળતા મેળવી છે. ઘાતક વાયરસની સારવાર માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં ફિઝિયોથેરેપીની સૌથી મોટી ટીમ ધરાવતી સિમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. ધિરેન શાહ કહે છે કે, કોરોના સંક્રમણનો શરીરમાં સૌથી પહેલાં અને સૌથી વધુ શિકાર બનતાં ફેફસાં માટે આ સુરક્ષિત થેરેપી છે. સમયસર, ઝડપી અને પૂરતાં પ્રમાણમાં ઓક્સિજન મળી રહેતો હોવાથી બળતરા કે વેન્ટિલેટર સંબંધિત ઈજાઓ સામે પ્રોનિંગ થેરેપી ફેફસાંને રક્ષણ આપે છે. સિમ્સના ફિઝિયોથેરેપી વિગભાના ડો. પ્રતીક પટેલ અને સાગર કુંડલિયા સાથે છ તજજ્ઞોની ટીમે કોરોના સંક્રમિત 60થી વધુ દર્દીને પ્રોનિંગ પ્રણાલીથી ઓક્સિજનની સારવાર સફળતાપૂર્વક આપી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer