સંગીત સાથે સંકળાયેલા નાના કલાકારોને કિટનું વિતરણ

સંગીત સાથે સંકળાયેલા નાના કલાકારોને કિટનું વિતરણ
ભુજ, તા. 29 : કોરોના મહામારી અને લોકડાઉનથી છેલ્લા બે-ત્રણ માસથી કલા-સંગીત સાથે જોડાયેલા કલાકારોના કાર્યક્રમો બંધ હોવાથી ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં છે ત્યારે દાતાઓના સહયોગે આજે સાંસદ વિનોદભાઇ ચાવડાએ નાના કલાકારોને અહીં રાશન કિટ અર્પણ કરી હતી. સાંસદ વિનોદભાઇ ચાવડાએ નાના કલાકારોની મુશ્કેલીઓને વાચા આપતાં જણાવ્યું હતું કે, કલા-સંગીત-ભજનના કાર્યક્રમોમાં ભાગ લેતા નાના કલાકારો મંજીરા વાદક, તબલા અને અન્ય વાદકો અને ગાયક તરીકે ભાગ લેતા નાના કલાકારો જે કોઇ પાસે હાથ લાંબો કરી શકતા નથી અને લોકડાઉન મધ્યે કોઇ સાર્વજનિક કાર્યક્રમો કે સંગીત જલસા બંધ છે ત્યારે ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં તેઓ તથા તેમના પરિવારજનો છે. આ બાબતે ઘણા કલાકાર મિત્રોએ રજૂઆત કરતાં દાતા નીલમબેન, શૈલેશભાઇ જાની, મનીષભાઇ બારોટ, જયેશભાઇ સચદેના સહયોગે નાના કલાકારોને બોલાવી સ્વમાનભેર તેમની કલા સેવાને બિરદાવી રાશન કિટનું વિતરણ કરાયું હતું. વધુમાં જણાવ્યું કે, કલાકારો તરફથી જેમ લગ્ન અને નાના પ્રસંગોએ સરકાર તરફથી મંજૂરી મળે છે તેમ નિયમોનુસાર પાલન શરતે નાના કાર્યક્રમો કરવામાં આવે તો તેમને રોજીરોટી મળતી રહે તેવી સરકારમાં રજૂઆત કરવા અરજ કરી છે. તેમની મુશ્કેલીઓને વાચા આપવા પોતે જરૂરથી સ્થાનિક તંત્ર, સરકાર પાસે રજૂઆત કરશે તેમ સાંસદે જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer