બિબ્બરમાં વીજ વળતરના મામલે સર્જાયો ડખો

બિબ્બરમાં વીજ વળતરના મામલે સર્જાયો ડખો
નિરોણા (તા. નખત્રાણા) તા. 29 : તાલુકાના બિબ્બર ગામના સીમાડામાંથી નીકળતી ખાનગી વીજ કંપનીની લાઈનના ઓછા વળતરના મુદે ગામના ખેડૂતો અને વીજ કંપની વચ્ચે ઘર્ષણ થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. કેન્દ્ર સરકારના ગ્રીન એનર્જી કોરિડોર પ્રોજેક્ટનું પાવરપટ્ટીમાં આગમન થયા પછી પાલનપુર (બાડી) નજીક 765 કે.વી. પાવરગ્રીડનું નિર્માણ કરાયું છે. પશ્ચિમ કચ્છમાંથી અનેક ખાનગી વીજકંપનીઓ દ્વારા વીજલાઈનનો રાફડો ફાટયો છે. હાલ આલ્ફાનાર નામની એક વીજ કંપનીની વીજલાઈન ઉભી કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પંથકના વંગ, ખારડિયા અને બિબ્બર ગામના સીમાડા વચ્ચેથી નીકળતી આ ભારે વીજવાહક લાઈનમાં આવતા ખેતરોના માલિકો અન્ય વીજ કંપનીઓ કરતાં ઓછા વળતરને લઈ ખેડૂતોએ વીજલાઈનનું કામ અટકાવી દીધું હતું. કામ અટકી ગયા પછી કંપનીના ઠેકેદાર અહીંના પોલીસ સ્ટેશનમાં આવી મૌખિક ફરિયાદ કર્યા પછી પી.એસ.આઈ. વી.એચ.ઝાલાએ ખેડૂતોને પોલીસ સ્ટેશનમાં બોલાવી વળતરના સમાધાન બાબતે પ્રયાસ હાથ ધર્યો હતો. પી.એસ.આઈ. શ્રી ભરવાડે પણ બન્ને પક્ષોને રૂબરૂમાં ચર્ચા દ્વારા યોગ્ય રસ્તો કાઢવા મથામણ આદરી હતી. પરંતુ આ કંપની દ્વારા અપાતા વળતરમાં ભારે વિસંગતતા હોવાનું જણાવી જયાં સુધી પૂરું વળતર ન મળે ત્યાં સુધી પોતાની માલિકીના ઠામમાંથી વીજલાઈન પસાર નહીં કરવા દેવાનું જણાવી આ અંગે એક આવેદનપત્ર પાઠવી ચાલતી પકડી હતી. ખેડૂતોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલ લોકડાઉનને લઈ લોકો મોટા ભાગે ઘરોમાં કેદ હોઈ આ વીજ કંપની જાહેરનામાનો ભંગ કરી વીજલાઈનની કામગીરી ચાલુ રાખી છે. એટલું જ નહીં કંપનીના ઠેકેદાર ખેડૂતોને ધાકધમકી અને પોલીસનો ડર બતાવી, વળતર સ્વીકારી વીજલાઈનનું કામ વહેલામાં વહેલી તકે આટોપતા હોવાનો ઉલ્લેખ કરેલો છે. વધુમાં આ પત્રમાં જણાવ્યા મુજબ ગામના ખેડૂતોને દબાણવશ કરવા કેટલાક વચેટિયા પણ ઊભા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં જ્યાં સુધી ખેડૂતોના પોતાની માલિકીની જમીનનું પૂરું વળતર વીજકંપની ન આપે ત્યાં સુધી તેની કામગીરી અટકાવવામાં આવે તેવી માંગ ડી.વાય.એસ.પી. નખત્રાણાને કરવામાં આવી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer