ભુજમાં દશ-દશ ઓવરની મેચ ઉપર સટ્ટો રમાડતા બે આરોપી ઝડપી પડાયા

ભુજમાં દશ-દશ ઓવરની મેચ ઉપર સટ્ટો રમાડતા બે આરોપી ઝડપી પડાયા
ભુજ, તા. 29 : ટાપુ દેશ વેસ્ટ ઇન્ડિઝ ખાતે દર્શકો વગર રમાતી દશ-દશ ઓવરની મેચ ઉપર મોબાઇલ એપની મદદથી સટ્ટો ચલાવી રહેલા ભુજના બે બુકી કાયદાના રક્ષકોના હાથે ગતરાત્રે ઝડપાયા હતા. આ કિસ્સામાં રૂા. 45 હજારની માલમતા કબ્જે કરી બન્ને આરોપી સામે વિધિવત ગુનો દાખલ કરાયો હતો. પોલીસદળે ગત મધ્યરાત્રિ બાદ જારી કરેલી યાદી મુજબ ભુજમાં ભીડનાકા બહાર શક્તિ હોટલની લાઇનમાં આવેલી ગલીમાં આસ્થા એન્ટરપ્રાઇઝ નામની ખાનગી કચેરીમાં બાતમીના આધારે પોલીસની ગુનાશોધક શાખાએ આ દરોડો પાડયો હતો. જેમાં શહેરમાં રઘુવંશી ચોકડી નજીક હાઉસિંગ બોર્ડમાં રહેતા હિતેશ ચમનલાલ મારૂ અને મૂળ સુથરી (અબડાસા)ના અને હાલે ભુજમાં આશાપુરાનગરમાં પાણીના ટાંકા પાસે રહેતા જયપાલાસિંહ હરિશચન્દ્રસિંહ જાડેજાને સટ્ટો ચલાવવાના આરોપસર પકડાયા હતા.સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ બન્ને યુવાન આરોપી પાસેથી રૂા. 34530 રોકડા અને રૂા. 10 હજારની કિંમતના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ્લ રૂા. 45030ની માલમતા કબ્જે કરાઇ હતી અને બન્ને સામે જુગારધારા તળે ગુનો દાખલ કરાયો હતો. બન્ને તહોમતદાર ક્રિકેટ ગુરુ લાઇન નામની મોબાઇલ એપના આધારે વેસ્ટ ઇન્ડિઝ ખાતે રમાઇ રહેલી 10-10 ઓવરની મેચ ઉપર હાર-જીત અને સેશનનો સટ્ટો રમાડી રહ્યા હતા ત્યારે આ દરોડો પડાયો હતો. તપાસ અંતર્ગત પોલીસે આ બન્ને પાસે દાવ લગાડવાવાળા પન્ટરોની તપાસ પણ કબ્જે કરાયેલા મોબાઇલ ફોન અને સાહિત્યના આધારે હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer