ચાર કેસ પોઝિટિવ આવતાં વાગડમાં દહેશતનો માહોલ

ભુજ, તા. 29 : વાગડમાં લોકલ સંક્રમણનો લોકોને ભય આજે સાચો ઠર્યો છે. રાપરના વાઘેલાવાસના 68 વર્ષીય મહિલાનો પોઝિટિવ રિપોર્ટ ગઈકાલે આવ્યા બાદ પ્રાપ્ત સમાચારો મુજબ તે લાંબા સમયથી સામખિયાળી રહેતા હતા.આજે તેમના ભચાઉ તાલુકાના સામખિયાળી રહેતા અને હાઈરિસ્ક કોન્ટેક્ટ ધરાવતા 28 વર્ષીય પુત્ર, 25 વર્ષીય પુત્રવધૂ અને છ તથા ત્રણ વર્ષની પૌત્રી જી. કે. જનરલમાં દાખલ છે, તેમના પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. મુંબઈથી મૂળ કચ્છીઓ વતનમાં પરત ફરી રહ્યા છે અને સાથે સંક્રમણ પણ લેતા આવ્યા છે અને સૌથી વધુ જોખમ રાપર-ભચાઉ તાલુકા પર હોવાની દહેશત વચ્ચે સામખિયાળીમાં કેસ જે ઝડપે વધી રહ્યા છે, તે આખેઆખા વાગડ માટે લાલબત્તી સમાન છે. માંડવી તાલુકાના મદનુપરાના પુરુષ જી. કે. જનરલમાં વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. તેમની તબિયત ક્રિટીકલ બતાવાઈ રહી છે. તા. 24/5ના હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તા. 25/5ના કોરોના પોઝિટિવ નોંધાયા હતા. આજના ચાર કોરોના પોઝિટિવ સહિત અત્યાર સુધીના નોંધાયેલા પોઝિટિવ કેસની સંખ્યા 79એ પહોંચી તે પૈકીના 47 કેસ સ્વસ્થ થતાં રજા અપાઈ છે.અત્યાર સુધીમાં ત્રણ મૃત્યુ થયા છે, જેમાં એક મૃત્યુ ગાયનેક પ્રોબ્લેમથી થયું છે. હાલે 29 કેસ એક્ટિવ પોઝિટિવ હોવાનું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીની યાદીમાં જણાવાયું છે. એક જ પરિવારના પોઝિટિવ કેસ નોંધાયા હોય તેવા કેસ જોઈએ તો બુઢારમોરા અને દરશડી બાદ સામખિયાળીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાપરના 68 વર્ષીય મહિલાનો કોરોના પોઝિટિવ કેસ આવ્યો તેમણે છાતીમાં દુ:ખાવો થતાં સાવલા હોસ્પિટલમાં સારવાર લીધી હતી. દરમ્યાન ડોકિયાવાસ અને અન્ય સ્થળોએ સંબંધીઓને મળ્યા હતા. તેમનો પરિવાર લાંબા સમયથી સામખિયાળી રહેતો હતો. પોતે તાજેતરમાં રાપર રહેવા આવ્યા છે. રાપરમાં લોકલ સંક્રમણનો લોકોમાં જાગેલો ભય આજના ચાર પોઝિટિવને પગલે વધુ ફેલાયો હતો.  


દરશડીનું યક્ષ ફળિયું કન્ટેઈનમેન્ટ  ભુજ, તા. 29 : માંડવી તાલુકાના દરશડી ગામનું યક્ષ ફળિયું તા. 9/6 સુધી કોવિડ-19 કન્ટેઈનમેન્ટ એરિયા તરીકે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડી.કે. દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. યક્ષ ફળિયામાં પોઝિટિવ કેસ આવતાં સરકારી ફરજ સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. રહેવાસીઓને રાશન વગેરે જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા ઘરે પૂરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ડિઝાસ્ટ મેનેજમેન્ટ એક્ટ કલમ-51થી 58 તથા ભારતીય દંડ સંહિતનાની કલમ 188ની જોગવાઈ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer