વીજબિલમાં દબાણ અને દંડના મુદ્દે જિલ્લા કોંગ્રેસ દેખાવ કરશે

ભુજ, તા. 29 : સમગ્ર દેશની સાથે ગુજરાતના લોકો કોરોના મહામારીના કારણે પાયમાલ છે. ધંધા-રોજગાર ઠપ થઇ જતાં મધ્યમ તથા ગરીબ વર્ગની સાથે નાના ધંધાર્થીઓને બેઠા થતાં વર્ષો લાગી જાય તેમ છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા એવરેજ બિલ ભરવા જેવા પરિપત્ર અસંવેદનશીલ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લાના મધ્યમ, ગરીબ વર્ગ, નાના વેપારીઓ વિ.ને ત્રણ મહિના સુધી વીજબિલ માફ કરવાની લેખિતમાં બે વાર રજૂઆતો મુખ્યમંત્રીને કલેક્ટર મારફતે કરી છે. આવા ગંભીર મુદ્દે નીતિવિષયક નિર્ણય ગુજરાત સરકાર લે અને પ્રજાને રાહત થાય, પણ સરકાર જાણે કુંભકર્ણ નિદ્રામાં પોઢી રહી છે તેવો તાલ સર્જાયો છે.હાલમાં એવરેજ બિલ ભરવા ઘરેલુ તથા નાના ધંધાર્થી તથા ગરીબ કનેકશન ધારકોને દબાણ કરવામાં આવી રહ્યું છે. તે બાબતને સખત શબ્દોમાં વખોડવામાં આવી હતી.એવરેજ બિલ લોકડાઉન પહેલાંનું હોઈ જે સમયે ધંધા-રોજગાર કાર્યરત હતા. હાલમાં  લોકડાઉનના સમયમાં એવરેજ બિલ ચૂકવવાની માગણીના સરકારી આદેશો ગળે ઉતરતા નથી.સરકારે આવા નિર્ણયો પરત ખેંચી લેવા જોઇએ. નહિંતર જનઆક્રોશ ફાટી નીકળશે. ઉપરાંત ઊર્જા વિભાગ દ્વારા વીજબિલ જે ઘરેલુ, નાના વેપારી કે ગરીબ મધ્યમવર્ગ સમયસર નહીં ભરે તો દંડની જોગવાઇ કરાઇ છે જે પરિપત્ર ખરેખર વાજબી છે ? તેવો સવાલ કર્યો હતો. હાલમાં વીજબિલ માફ કરવામાં આવે, એવરેજ બિલની પ્રથા બંધ કરવામાં આવે. વીજબિલ સમયસર ન ભરનારને દંડની જોગવાઇ અંગેનો સરકારી આદેશ-પરિપત્ર પરત ખેંચવામાંઆવે, નહિતર જિલ્લા કોંગ્રેસ આ વીજગ્રાહકોના હિતમાં લડત કાર્યક્રમો આપશે. જરૂર  જણાશે તો સંબંધિત કચેરી કે જિલ્લા મથકે વીજબિલ-પરિપત્રોની હોળી કરાશે એવું જિલ્લા પ્રવકતા ગનીભાઇ કુંભાર દ્વારા જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer