ગાંધીધામમાં પાણીની લાઇનો સર્પાકારે બિછાવીને સુધરાઇની નવી ટેકનિક !

ગાંધીધામ, તા. 29 : ટેકનોલોજી ક્ષેત્રે અવનવા પ્રયોગો માટે પંકાયેલી અહીંની નગરપાલિકાએ  સીસી રોડ ઉપર ડામર પાથરવો, રસ્તાની વચ્ચે વરસાદી નાળાં બનાવવા, વરસાદી નાળાં સર્પાકાર કરવા અને હવે પીવાનાં પાણીની લાઇનો સર્પાકાર બેસાડવાનો નવો પ્રયોગ આદર્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યારે  ગટર, પાણીની લાઇનો  બેસાડવાનાં કામો શરૂ કરાયાં છે. નગરપાલિકાના એકમાત્ર જુનિયર ઇજનેર લાઇન આપી કોન્ટ્રેક્ટર ઉપર કામ છોડી દે છે. પછીથી જે-તે કામ ઉપર કોઇ સુપરવિઝન થતું નથી. છેલ્લા ત્રણ દિવસથી અપનાનગર વિસ્તારમાં  પાણીની લાઇન બેસાડવાનું કામ ચાલે છે. આ કામ સર્પાકારે થઇ ગયું છે. નગરપાલિકાના  સ્ટાફે સફેદ પટ્ટો દોરીને  ખોદકામ કરવા જણાવ્યું હતું. એ લીટી હવે આડી-અવળી થઇ ગઇ છે. કેટલાક વગદારોએ  પોતાનાં મકાનની બહાર મોંઘા ભાવના કોટા-ગ્રેનાઇટ બેસાડી કરેલાં દબાણ આ લાઇન બેસાડવા તોડવા પડે તેમ હતાં. વગદારોએ  લાઇન થોડી દૂર નાખવા દબાણ કરતાં સીધી લીટીને  બદલે આવા ઘણાં સ્થળે લાઇન આડી થઇ ગઇ. પાણીની લાઇન આવી રીતે બેસાડાશે તો  સમસ્યા ઉકેલાશે કે વધશે તે પ્રશ્ન મોટો છે. ગાંધીધામ પાલિકાનું સદ્નસીબ એ છે કે, મોટેભાગે આવાં કામોનું નિરીક્ષણ કરવાનો કોઇને  સમય નથી. મુખ્ય અધિકારી ઇન્ચાર્જ હોવાથી કચેરીમાં પણ માંડ આવે છે, ત્યાં  કામો જોવા ક્યાંથી જાય. પરિણામે વગદારો તંત્રને જેમ વાળવું હોય તેમ વાળી લઇને પ્રજાકીય કામોનો સત્યાનાશ કરે છે. આશ્ચર્ય વચ્ચે કોરોના સંક્રમણ ફેલાયા પછી તો કોઇ પ્રજાકીય પ્રતિનિધિઓ પણ જાહેરમાં ડોકાતા જ નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer