રાજ્ય ત્રાસવાદ વિરોધી દળે ગાંધીધામ આવી અન્ય એકને પણ ઉઠાવી લીધો

ગાંધીધામ, તા. 29 : આતંકી ગતિવિધિ સાથે સંકળાયેલા ફારૂક દેવડીવાલાના સંપર્કમાં રહેલા અહીંના એક ઇસમને  મુંબઇ એટીએસે થોડો સમય પહેલાં ઉઠાવ્યો હતો. હાલમાં આ જ કેસ સંદર્ભમાં  અમદાવાદની એટીએસે અન્ય એક ઇસમને ઉઠાવી લીધો હતો. આતંકવાદી ગતિવિધિ સાથે જોડાયેલા ફારૂક દેવડીવાલાએ અનેક પ્લાન કર્યા હતા અને આ પ્લાનમાં તેણે અન્ય શખ્સોને પણ પોતાની સાથે જોડયા હતા.  મુંબઇમાં ટેક્ષી ચલાવનારા અને બાદમાં ગાંધીધામ આવી 9/બી વિસ્તારમાં  રહી છકડો ચલાવતા અલારખા નામના ઇસમનું નામ પણ બહાર આવ્યું હતું. આ ઇસમને મુંબઇની એટીએસ ઉપાડી ગઇ હતી. હાલમાં ધારાશાત્રીને ઉઠાવવા આવેલી અમદાવાદ એટીએસની ટીમ પૈકીની એક ટીમે આ ઇસમ અલારખાના એક સંબંધીને ઉઠાવ્યો હોવાની વાત બહાર આવી હતી. આ ઇસમ પાસે અન્ય કોઇ માહિતી છે કે નહીં ? અન્ય કોઇ ગતિવિધિ થઇ રહી છે કે, નહીં ? તે સહિતની વિગતો માટે તેને ઉપાડી જવાયો હોવાનું સ્થાનિકના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. તો આ ઇસમ એટીએસની ગુડબુકમાં પણ હોવાનું અમુક સૂત્રોએ જણાવ્યું હતું. એટીએસની ટીમે કોઇને ઉઠાવ્યો છે કે નહીં ? તેને સત્તાવાર કોઇ સમર્થન મળ્યું નહોતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer