કચ્છ પાંચ જિલ્લાથી એસ.ટી. વ્યવહારે જોડાયો

ભુજ, તા. 29 : વૈશ્વિક મહામારી કોરોના થકી વાહનવ્યવહારથી વિખૂટું પડી ગયેલું કચ્છ એસ.ટી. સંગાથે રાજકોટ ઉપરાંત મહેસાણા, ખંભાળિયા, પાલનપુર અને સુરેન્દ્રનગર જિલ્લા સાથે જોડાયું છે. ચોથા લોકડાઉન દરમ્યાન રાજ્ય વાહનવ્યવહાર નિગમના આદેશ અનુસાર પ્રારંભે જિલ્લામાં માત્ર તાલુકાકક્ષાએ અને દરરોજ સવારે એકમાત્ર ભુજ-રાજકોટ એસ.ટી. બસ વ્યવહાર શરૂ કરાયા બાદ તબક્કાવાર પ્રવાસીઓની  માંગ  મુજબ અન્ય પાંચ જિલ્લા સાથે બસ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. કચ્છ એસ.ટી.ના વિભાગીય નિયામક સી. ડી. મહાજનની અખબારી યાદી મુજબ ભુજ-રાજકોટ ચાર ટ્રીપ, ભુજ-મહેસાણા બે, માંડવી-રાજકોટ બે, માંડવી-ખંભાળિયા-2, માંડવી-સુરેન્દ્રનગર-2, માંડવી-પાલનપુર-2, મુંદરા-રાજકોટ-2, અંજાર-રાજકોટ-2, નખત્રાણા -રાજકોટ-2 ટ્રીપ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોથા લોકડાઉનના પ્રારંભે સરકાર દ્વારા મળેલી છૂટછાટ દરમ્યાન પ્રારંભે ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોન સાથે કચ્છને જોડવામાં આવ્યું હતું. જેમાં મુસાફરોની માંગ વધતાં વધુ જિલ્લામાં બસો દોડાવવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer