સેમ્પલ લેવા વિશે તંત્રમાં મતમતાંતર

ભુજ, તા. 29 : કોરોના પોઝિટિવ કેસ આવ્યાના ચાર-પાંચ દિવસ બાદ તેમના સંપર્કવાળાના સેમ્પલ લેવાય તેવી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની માર્ગદર્શિકા બાબતે તંત્રમાં મતમતાંતર જોવા મળ્યા છે. માંડવી તાલુકાના દરશડીના દર્દીના પોઝિટિવ રિપોર્ટ આવ્યાના બીજા દિવસે તેમના પરિવારજનોના સેમ્પલ લેવાયા હતા. તેવી રીતે આજે પોઝિટિવ રિપોર્ટ આવ્યા તે સામખિયાળીના ચાર જણના સેમ્પલ ગઈકાલે જે રાપરના વૃદ્ધાના પરિવારજન હોવા છતાં બીજા દિવસે સેમ્પલ લેવાયા તે ગાઈડલાઈન વિરુદ્ધ હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું અને ઉમેર્યું કે,આઈસીએમઆરની ઓનલાઈન મુકાયેલી ગાઈડલાઈન મુજબ ચાર-પાંચ દિવસ બાદ લેવાના હોય. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીને આ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું કે, જિલ્લા પંચાયત કર્મચારી કિટ પહેરી સેમ્પલ પહોંચાડે. જી.કે. જનરલ હોસ્પિટલ ખાનગી સંસ્થાના મેનેજમેન્ટ હેઠળ છે. સેમ્પલ લેવાનો નિર્ણય ત્યાંના ડોક્ટર લે છે. દાખલ દર્દીને કોરોનાના લક્ષણ છે તેના સેમ્પલ લઈ શકાય, ઉલ્લઘંન સાવ તો નથી કહી શકતા.મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહસિવિલ સર્જન ડો. કશ્યપ બૂચે જણાવ્યું કે, સેમ્પલ લેવાનો નિર્ણય નોડલ ઓફિસર લે છે. જી.કે.ના ચીફ મેડિકલ સુપરિ. ડો. એન. એન. ભાદરકાને પૂછતાં તેમણે હોસ્પિટલમાં તપાસ કરી જણાવ્યું કે, ગાઈડલાઈન રોજ બદલાતી હોવાથી સ્થાનિકે જરૂરી જણાય સેમ્પલ લેવાયા. આમ તંત્રમાં સેમ્પલ લેવા બાબતે મતમતાંતર હોવાનું સ્પષ્ટ તારણ નીકળે છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer