કોરોના અને ચોમાસા સંદર્ભે સતર્ક રહેવા તાકીદ

ભુજ, તા. 29 : આગામી વર્ષાઋતુને ધ્યાનમાં રાખી ચોમાસા દરમ્યાન પૂર, વાવાઝોડું કે અન્ય આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જતા ચકાસવા તેમજ હાલમાં ફેલાયેલી કોરોના વાયરસ કોવિડ-19 વૈશ્વિક મહામારી હેઠળ  ચોમાસાના સંદર્ભમાં આનુષંગિક આયોજન કરવા ઉપરાંત સરકાર દ્વારા સૂચિત કોવિડ-19 ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખી દરેક પરિસ્થિતિમાં જિલ્લાના તમામ વિભાગોનાં સંકલનમાં સુચારૂ વ્યવસ્થા નિર્ધારિત કરવા માટે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લાના તમામ વિભાગો સાથે પ્રિ-મોન્સૂન બેઠક અને વી.સી. યોજાઇ હતી. નિવાસી અધિક કલેકટર કુલદીપાસિંહ ઝાલા દ્વારા મિટીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી. ત્યારબાદ ડિઝાસ્ટર મામલતદાર સી.આર. પ્રજાપતિ દ્વારા ચોમાસા તેમજ કોવિડ-19ની સ્થિતિને લગતા સામાન્ય મુદ્દાઓ હાજર રહેલ તમામને માહિતગાર કર્યા હતા. ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીઓ દ્વારા આગામી ચોમાસાને લગતા તેમજ ચોમાસા અન્વયે કોવિડ-19ની સહ સ્થિતિ હેઠળ વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. ચોમાસાની સામાન્ય પરિસ્થિતિ તેમજ આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા તેમજ હાલની કોવિડ-19ની પરિસ્થિતિ સંદર્ભમાં તકેદારીઓ અને નિયંત્રણ અન્વયે જિલ્લાના તમામ વિભાગોને કલેક્ટર દ્વારા યોગ્ય કામગીરી કરવા સૂચના અપાઇ હતી.ચોમાસા દરમ્યાન આકસ્મિક સંજોગોમાં સ્થળાંતર કરાવવાની ફરજ પડે ત્યારે સ્થળાંતરની સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ચુસ્તપણે પાલન થાય તે ધ્યાને લેવું. આ સિવાય ચોમાસાની કોઇપણ સ્થિતિમાં કોવિડ-9 સબબના સુરક્ષા માપદંડો જળવાઇ રહે તે ખાસ ધ્યાનમાં રાખવું. આ વિગતે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સૂચનાઓ ધ્યાને લેવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.જો લોકોને આશ્રયસ્થાનો પર રાખવાના થાય. તેવા સંજોગોમાં આશ્રયસ્થાનો પર રાખવામાં આવેલી વ્યક્તિઓને સમાવવાની કુલ ક્ષમતાના આશરે 60 ટકા જેટલા જ વ્યક્તિઓને આશ્રયસ્થાન પર રાખવામાં આવે તે સુનિશ્ચિત કરવું. જે વિગતે આપના વિસ્તારના ઉપલબ્ધ આશ્રયસ્થાનોનો સોશ્યલ ડિસ્ટન્સિંગના સંદર્ભમાં પુન: અવલોકન કરવું તેમજ તે મુજબ આગોતરું આયોજન કરી તેની જાણ અત્રે કરવી. તેમજ આ બાબતને ધ્યાનમાં રાખીને આપવા શેલ્ટર્સની યાદી અદ્યતન કરવી. આકસ્મિક સ્થળાંતર કે આશ્રયસ્થાન પર લોકોને ખસેડવાના કિસ્સામાં લોકો દ્વારા હેન્ડ સેનિટાઈઝેશન, માસ્ક ગ્લોવ્ઝનો ઉપયોગ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું. વધુમાં લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા માસ્ક તેમજ અન્ય મેડિકલ સાધનોનો યોગ્ય રીતે નિકાલ થાય. જેથી અન્ય રોગચાળાની સ્થિતિ ન સર્જાય તેની તકેદારી લેવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી. ચોમાસાની આકસ્મિક પરિસ્થિતિ તેમજ લોકડાઉનના સંજોગોમાં લોકો જીવન જરૂરી વસ્તુઓનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ રહે તે ધ્યાનમાં લેવા જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer