સોમવારથી કઇ છૂટછાટ જોઇએ છે ?

ભુજ, તા. 29 : 24મી માર્ચથી દેશ પર લદાયેલા એક પછી એક ચાર લોકડાઉનની અવધિ હવે 31મીએ રવિવારે પૂરી થઈ રહી છે. સંભવત: વડાપ્રધાન રવિવારે અંતિમ દિવસે `મન કી બાત'માં લોકડાઉન પાંચ અંગે સંદેશો આપે કે ગૃહમંત્રી પૂરેપૂરો મુસદ્દો જાહેર કરે પણ એ બંને જાહેરાત વચ્ચે આખેઆખો શનિવાર છે, શનિવાર એટલે સંકટમોચન હનુમાનજીનો વાર, દેશના સંકટ મહાબલિ હનુમાન હણે તેવી અભ્યર્થના સાથે લોકોના `મનની વાત' લોકડાઉન સંદર્ભે જાણવા માંગી તો જાણે અલાઉદ્દીનનો ચિરાગ ઘસાય અને જીન આવીને ઊભો રહે `બોલ મેરે આકા' કહે અને માગણીઓની યાદીના પાનાં ખૂલવા મંડે તેવી સ્થિતિ જોવા મળી. ઈતિહાસમાં પ્રથમ વખત પોતાના જ ઘરમાં બંધ થયેલા કોરોનાના સંક્રમણથી ડરનારા અને જિંદગી સ્વતંત્ર્યતાપૂર્વક, સન્માનપૂર્વક, `આત્મનિર્ભરતા'થી જીવનારા લોકો હવે આ `ઘરબંધી'થી અકળાયા છે અને કોરોનાથી ડરે પણ છે તેથી તેમની માગણીઓ પણ અનેક રહસ્યો ખોલે છે.`મહેનત અપના દીન ધરમ હૈ મહેનત હૈ ઈમાન...' એવું ગાનારો મજૂર-શ્રમિક ઈચ્છે છે કે પોતાના પરિવાર સાથે રહે અને સહપરિવાર પેટ ભરીને બે ટાઈમ ખાઈ શકે. પરસેવો પાડવા એ તૈયાર છે પણ સાથોસાથ એની ઈચ્છા છે કે એનું શોષણ ન થાય અને પૂરેપૂરું વળતર મળે...કચ્છભરમાં ખૂણેખાંચરે નાની કેબિનથી માંડીને મસમોટી દુકાન-શોરૂમ કે મોલ ધરાવતા વેપારીઓના અંતરની ઈચ્છા છે કે બેરોકટોક ધંધો કરવા મળે, કુંડાળા-સેનિટાઈઝર-માસ્ક બધું જ સ્વીકાર્ય પણ સમયની પાબંદી ન જોઈએ. `મને ઠીક લાગે ત્યારે દુકાન ખોલું અને ઠીક લાગે ત્યારે બંધ કરું' એવું જોઈએ... લોકડાઉન પાંચમાં એવી જાહેરાત થાય તો સીધું શ્રીફળ લઈને હનુમાનજીના મંદિરે જઈશ તેવી તૈયારી પણ તેમની છે.આ તોળાઈ રહેલા લોકડાઉન પાંચમાં હવે ધાર્મિક સ્થળો ખૂલી જવા જોઈએ તેવા અંતરના ઓરતા તો અનેકને છે પણ ગિરદી થશે કે મુંબઈથી સંક્રમિત થયેલો કોઈ દર્શન કે નમાજ પઢવા આવશે અને અડીને ચેપ ફેલાવશે તો ? એવી ચિંતા હિન્દુ અને મુસ્લિમ બંને કોમના લોકોમાં વ્યાપક છે. તેઓ ઈચ્છે છે કે મંદિર-મસ્જિદના તાળાં ખૂલે.બધા જ ધર્મમાં અનુયાયીઓ પોતપોતાના ઈષ્ટની આરાધનામાં સ્વતંત્રતા ઈચ્છે છે તો શરીર સૌષ્ઠવ પ્રત્યે સજાગ વર્ગ મોર્નિંગ વોક તથા મેદાની રમતો, સ્પોર્ટસ કલબ ઉપરાંત જીમની છૂટ માંગી રહ્યો છે. નાસ્તાના કે ચટપટી વાનગીઓના ટેસડા લેનારાઓ પણ `માંગે ત્યાં અને ત્યારે વડાપાઉં'ની માંગ મૂકી રહ્યા છે તો પરમિટધારકોને વળી સોમથી સોમ સોમરસ પણ જોઈએ તો છે જ.આ વખતે પાંચમા લોકડાઉનમાં વડાપ્રધાન કઈ જાહેરાત કરે તો તમને ગમશે તેવા ગૃહિણીઓને પૂછાયેલા પ્રશ્નનો જવાબ પુરુષ વર્ગ માટે સતેજ કરનારો હતો... સવારથી સાંજ રાંધી-રાંધીને થાક્યા હવે રેસ્ટોરન્ટ ખોલી નાખો અને કામ-ધંધાનો એટલો સમય આપો કે ઘેર કોઈ સતત હાજર ન રહે !!! ફિલ્મો થિયેટરો કે મલ્ટિપ્લેક્સમાં  જોવા મળે એવી માગણી રાજ્ય સરકાર સમક્ષ ઉઠાવાઇ છે. એ થાય તો સારું પણ ટેલિવિઝનની સિરિયલોમાં નવીનતા અપાવો  તેવી માંગ પણ ગૃહિણીઓની જ છે. પણ હા સંક્રમણ વધી રહ્યું છે ત્યારે શાળા-શિક્ષણ સંસ્થા ભલે બંધ જ રહી તેવું ઇચ્છનારો વર્ગ મોટો?છે. વડીલોને બહાર ન નીકળવાની પાબંધી એ તેમનાં અને પરિવારનાં હિતમાં રહેશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer