આપત્તિ ટાણેની બચાવ-રાહત કામગીરીનું આખું માળખું જ ધરમૂળથી બદલાવવામાં આવ્યું છે

ભુજ, તા. 29 : આકરી ગરમીમાં શેકાતા કચ્છના લોકો ચોમાસું તેના નિયત સમયે આગમન કરે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તો તંત્ર પણ પ્રિમોન્સૂન કામગીરીમાં હવે પરોવાતું દેખાઈ રહ્યું છે. આ વખતે કોરોનાના કારણે જે સ્થિતિ ઉદ્ભવી છે તેના લીધે ભારે વરસાદ કે વાવાઝોડાં સમયે રાહત બચાવ કામગીરી કરવામાં આવે છે તેનું માળખું સમૂળગું બદલાઈ જશે. ભુજ ખાતે મળેલી આ માટેની વિશેષ બેઠકમાં સૂચિત માર્ગદર્શિકાની સૂચના તમામ વિભાગોને આપવામાં આવી હતી.અતિવૃષ્ટિ કે વાવાઝોડા સમયે લોકોનું સ્થળાંતર કરવાનું હોય કે પછી વરસાદી પાણીના વહેણમાં ફસાયેલા લોકોને બચાવવાના હોય ચોમાસા સમયે રાહત બચાવની કરાતી આ કામગીરી કરનારી ટુકડીને ફરજિયાતપણે પીપીઈ એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ કિટ પહેરવી પડશે. તંત્ર દ્વારા તમામ વિભાગોને જરૂરી પીપીઈ કિટની વ્યવસ્થા કરવા માટેના આદેશો પણ જારી કરી દેવાયા છે.તો વાવાઝોડાંની સંભવત સ્થિતિ સમયે જો દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરવાનું થાય ત્યારે આ કામગીરી કરનાર તંત્રની ટીમ અને જેમને સ્થળાંતરિત કરવાના છે એ લોકોએ ફરજિયાતપણે માસ્ક પહેરવું પડશે. આ ઉપરાંત એક શેલ્ટર હોમમાં નિર્ધારિત માત્રામાં લોકોને રાખી સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું હોવાના લીધે શેલ્ટર હોમની સંખ્યા પણ વધારવા માટેની વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપી દેવાઈ હોવાનું ડિઝાસ્ટર શાખામાંથી સત્તાવાર રીતે જણાવાયું હતું.આમ આ વખતે ચોમાસાની સિઝન દરમ્યાન કરવામાં આવનારી સંભવિત રાહત બચાવની કામગીરી પર કોરોનાનો પ્રભાવ સ્પષ્ટપણે વર્તાશે તેવું લાગી રહ્યું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer