ભીમાસર તેલચોરી પ્રકરણના ત્રણ આરોપીના જામીન અદાલતે નકાર્યા

ગાંધીધામ, તા. 29 : રાપર તાલુકાના ભીમાસર ગામની સીમમાં આવેલું એક ખેતર ભાડે રાખી ખેતરમાંથી પસાર થતી તેલની લાઇન તોડી તેમાંથી રૂા. 4,90,000ના તેલચોરી પ્રકરણમાં ત્રણ આરોપીઓના જામીન નકારી દેવામાં આવ્યા હતા. ભીમાસર ગામની સીમમાંથી ચારેક મહિના પહેલાં અમદાવાદ એ.ટી.એસ.એ આ કૌભાંડ ઝડપી પાડયું હતું. અહીં એક ખેતર ભાડે લેવામાં આવ્યું હતું. આ ખેતર નીચેથી એચ.પી.સી.એલ.ની મુંદરાથી દિલ્હી લાઇન જાય છે. આ જગ્યાએ લાઇન ઉપર આસપાસ કાંટાની વાડ કરી ખાડો ખોદી તેલની પાઇપલાઇન તોડવામાં આવી હતી અને તેમાંથી રૂા. 4,90,000નું 7000 લિટર ડીઝલ ચોરી લેવાયું હતું, જે અમદાવાદ બાજુ વેચવા મોકલી દેવામાં આવ્યું હતું.આ કૌભાંડ પકડાયા બાદ કમલેશ ઉર્ફે કેવિન ભાણજી બેરા (પટેલ), મહંમદ નૌશાદ શેખ, સુલતાન બાબુખાન પઠાણ, ઇશ્વર કુંભા ચૌહાણ, ઇશ્વર વેલા સોઢા, પ્રભુ ભાણા સોઢા, રમેશ રાણા મકવાણા અને અશોક રણમલ ડોડિયા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.આ બનાવમાં પ્રથમ કમલેશ પટેલની એ.ટી.એસ.એ ધરપકડ કરી હતી. આ શખ્સે બાદમાં ભચાઉની અધિક સેશન્સ જજની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. આ કેસની વીડિયો કોલિંગ થકી સુનાવણી કરવામાં આવી હતી. આધાર-પુરાવા અને ધારદાર દલીલો બાદ ન્યાયાધીશે આ શખ્સના જામીન નકારી દીધા હતા.બાદમાં મહંમદ ઉર્ફે નૌશાદ અને સુલતાન પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. નાસતા ફરતા આરોપી એવા રમેશ રાણા મકવાણાએ આગોતરા માટે ભચાઉની કોર્ટમાં અરજી કરી હતી. આ શખ્સના પણ જામીન નકારી દેવામાં આવ્યા હતા. જેલમાં રહેલા સુલતાન બાબુખાન પઠાણે જામીન ઉપર છૂટવા કોર્ટમાં અરજી કરી હતી. સમજણપૂર્વકની દલીલો બાદ ન્યાયાધીશે આ ઇસમની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. આ સમગ્ર કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ ડી. બી. જોગી હાજર રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer