દરિયો તોફાની બને તેમ હોવાથી બે મહિના માટે માછીમારી પર `રોક''

ભુજ, તા. 29 : કચ્છ જિલ્લાના જુદા જુદા બંદરેથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી વાવાઝોડાં, વરસાદ વગેરેની આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શકય હોતી નથી તેમજ મે માસથી દરિયો તોફાની થઇ જાય છે. મે-1999માં ત્રાટકેલા વાવાઝોડાંથી અન્ય જિલ્લાઓના માછીમારોની મોટી ખુવારી થઇ હતી. માછીમારો માટે મે મહિનામાં દરિયામાં જવું વિશેષ જોખમયુકત હોય છે. મત્સ્યોદ્યોગ વિભાગ તથા પોર્ટ ઓફિસર દ્વારા આવા માછીમારોને મે માસથી સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનઅધિકૃત રીતે કોઇ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને વાવાઝોડાં જેવા પરિબળોથી સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં માછીમારોના જાનનું જોખમ ઊભું થાય તેવો પૂરતો સંભવ છે. જેથી આવા માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અનિવાર્ય છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડી. કે. એ ફરમાવેલું છે કે, કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી ક્રીક વિસ્તારમાં કોઇપણ માછીમારોએ કે અન્ય કોઇ વ્યકિતએ તા. 1/6/20થી 31/7/20ના સમય દરમ્યાન માછીમારી કે અન્ય કોઇ હેતુસર સમુદ્રમાં કે ક્રીક વિસ્તારમાં જવું નહીં અને કોઇપણ બોટની અવર-જવર કરવી નહીં. આ હુકમ પોર્ટ ઉપર આવતા વ્યાપારિક જહાજો, લશ્કરી દળો, અર્ધ લશ્કરી દળો, પોલીસ દળોની બોટો, પગડિયા માછીમારો, નોન મોટરાઈઝડ ક્રાફટ (લાકડાની બિનયાંત્રિક એક લકડી હોડી અને સઢવાળી હોડી)ને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારને ભારતીય ફોજદારી અધિનિયમ (સને 1860ના ક્રમાંક-45) કલમ 188 મુજબ સજા થઇ શકે છે. આ જાહેરનામું તા. 1/6/20થી તા. 31/7/20 સુધી અમલમાં રહેશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer