પૂર્વ કચ્છના 6 કોરોના દર્દીને મળી રજા

પૂર્વ કચ્છના 6 કોરોના દર્દીને મળી રજા
ગાંધીધામ, તા. 22 : કચ્છમાં મુંબઈથી લોકો આવ્યા બાદ કોરોનાનો કહેર વધ્યો છે. જેમાં પૂર્વ કચ્છના દર્દીઓની સંખ્યા વધારે છે. હાલ આદિપુરની હરિઓમ હોસ્પિટલ ખાતે 35 દર્દી સારવાર તળે છે ત્યારે પ્રથમ છ દર્દીને આજે રજા આપવામાં આવતાં આરોગ્ય તંત્રને આંશિક રાહત મળી છે. અંજાર તાલુકાના બુઢારમોરા ગામના યુવાનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા 29 લોકોને આદિપુરમાં લીલાશાહ કુટિયા ખાતે સંસ્થાકીય કવોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. જે પૈકી મુકેશ સથવારા, અર્ચના સથવારા, મીત સથવારા, રમેશ સથવારા, વિજય માનાણી સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત અંજારમાં એસઓજીએ ગાંજા સાથે ઝડપેલા આરોપી પ્રકાશ અમરશી ભીલ સહિત 65 દર્દીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ તમામ દર્દીઓને આદિપુરની હરિઓમ કોવિડ હોસ્પિટલ ખાતે  સારવાર તળે રખાયા હતા. જો કે એક સાથે 6 કેસ આવ્યા  બાદ કચ્છમાં સંક્રમિત દર્દીઓનો આંકડો સતત વધતો જ રહ્યો છે. આ તમામ દર્દીઓને  10 દિવસની સારવાર દરમ્યાન એક પણ લક્ષણ જણાયાં ન હતાં. અને તમામની તબિયત સ્થિર રહી હતી. દર્દીઓને કફ, ઉધરસ કે અન્ય કોઈ તકલીફ છે કે નહીં તેનું સતત નિરીક્ષણ કરાતું હતું. 10 દિવસ  સુધી તેમને કોઈ વધારાના લક્ષણો  દેખાયાં ન હોવાનું ડો. મોહિત ખત્રીએ જણાવ્યું હતું. જિલ્લા આરોગ્ય  અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, હરિઓમ હોસ્પિટલના ડો. અંજુ રાની અને અન્ય  સ્ટાફની હાજરીમાં દર્દીઓને તાળીઓ સાથે ફુલો વરસાવી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી 9 વર્ષીય બાળક નવા જોમ સાથે બહાર નીકળ્યો હતો. આ તમામ દર્દીઓને  સુરક્ષાના કારણોસર આગામી 28 દિવસ સુધી હોમ કવોરેન્ટાઈન રાખવામાં આવશે. ત્યાર બાદ એન્ટી બોડી રેપિડ ટેસ્ટ કરવામાં આવશે. તેમાં  કોઈ લક્ષણ ન જણાય તો તેઓ અન્ય લોકો સાથે હળીમળી શકશે. પૂર્વ કચ્છના પ્રથમ  6 દર્દીઓને રજા અપાતાં આરોગ્ય તંત્રને રાહત થઈ છે. જો કે હજુ પણ 29 એકિટવ કેસના દર્દીઓ સારવાર તળે છે. તાલુકા આરોગ્ય અધિકારી ડે. દિનેશ સુતરીયા,  હરિઓમ હોસ્પિટલના ઈન્ચાર્જ અને કો. એડમિનિસ્ટ્રેટર ડે. પાયલ કલ્યાણી, એમ.ડી. ફિઝિશિયન ડો. મોહિત ખત્રી, આર.બી.એસ.કે. નોડલ ઓફિસર ડો. ભાવીન ઠક્કર, ડો. ભંવર પ્રજાપતિ સહિતની ટીમ  કોરોનાના દર્દીઓની સારવારમાં કાર્યરત છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer