માધાપર પાસે જીપ-ટ્રક ટક્કરમાં બેનાં મોત

માધાપર પાસે જીપ-ટ્રક ટક્કરમાં બેનાં મોત
ભુજ, તા. 22 : ભુજ અને નખત્રાણા તાલુકાને જોડતા દેશલપર-મંગવાણા માર્ગ ઉપર માધાપર ગામ નજીક આજે પરોઢે બોલેરો જીપકાર સાથે સામેથી આવી રહેલી ટ્રક અથડાતાં સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં પવનચક્કી કંપનીના કામ સાથે સંકળાયેલા બે પરપ્રાંતીય યુવાન કાળનો કોળિયો બની ગયા હતા. જ્યારે સ્થાનિકનો અન્ય એક યુવક જખ્મી થતાં તેને સારવાર તળે ખસેડાયો હતો. બહાર આવેલી વિગતો અનુસાર માંડવી તાલુકામાં  ગઢશીશા નજીક કાર્યરત પવનચક્કીની કંપની સિમેન્સ ગામેશા સાથે સંકળાયેલા કર્મચારીઓ બોલેરો જીપકારથી જઇ રહ્યા હતા ત્યારે આજે સવારે છ વાગ્યાના સુમારે સામેથી નલિયા તરફથી આવતી જી.જે.1-ડી.એકસ.-4157 નંબરની ટ્રક બોલેરો સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બોલેરોમાં સવાર મૂળ તામિલનાડુના વતની સંતોષ મની વનન (ઉ.વ.24) અને રાકેદ મની કેદન (ઉ.વ. 24)ના મૃત્યુ થયાં હતાં. જ્યારે માંડવી તાલુકાના મઉં ગામના રહેવાસી રાજેશ નરશીં મહેશ્વરી (ઉ.વ.35)ને ઇજાઓ થતાં તેને દવાખાને ખસેડાયો હતો. પોલીસ સાધનોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે આ ઘટનામાં સામેથી આવી રહેલી ટ્રકની ટક્કર એટલી તીવ્ર હતી કે બોલેરોનો આગળનો ભાગ રીતસરનો બુકડો બોલી ગયો હતો. બન્ને મૃતકો પૈકી એક જણનું સ્થળ ઉપર અને બીજાનુંસારવાર નસીબ થાય તે પહેલાં જ પ્રાણપંખેરૂં ઊડી ગયું હતું. બનાવના પગલે લોકો પણ એકત્ર થઇ ગયા હતા. પોલીસને જાણ થતાં સ્થાનિકે ધસી જઇને કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ હતી. ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરવા સહિતના પ્રયાસો હાથ ધરાયા હતા. અકસ્માતમાં એકસાથે બે યુવાન મોતના મુખમાં ધકેલાઇ જતાં શોક સાથે અરેરાટી વ્યાપી છે.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer