સામાજિક અંતર માટે ભચાઉની શાક માર્કેટ મોડલ રૂપ : મુખ્યમંત્રી વિજયભાઈ

સામાજિક અંતર માટે ભચાઉની શાક માર્કેટ મોડલ રૂપ : મુખ્યમંત્રી વિજયભાઈ
કમલેશ ઠક્કર દ્વારા-  ભચાઉ, તા. 22 : ભચાઉ તાલુકામાં આજે મુખ્યમંત્રીએ ભચાઉ શાક માર્કેટ ખાતે જિલ્લાના રાજ્યમંત્રી, અગ્રણીઓ અને જનતા સાથે કોરોના વાયરસ કોવિડ-19 હેઠળ વીડિયો સંવાદ કર્યો હતો. કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણને અટકાવવા સલામતી અને સાવચેતીનાં પગલાં ભરવાના ભાગરૂપે ભચાઉ નગરપાલિકા દ્વારા શહેરના ત્રણ ઝોનમાં જુદી-જુદી જગ્યાએ સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સવાળી) મોડર્ન શાક માર્કેટ ઊભી કરવામાં આવી છે. તેનું મુખ્યમંત્રીએ વીડિયોથી વિહંગાવલોકન કરી જાણકારી મેળવી હતી. આ પગલાં માટે સૌને ધન્યવાદ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભચાઉના માર્કેટમાં સામાજિક અંતર માટે ગુજરાતને ભચાઉ નવો રાહ ચીધે છે.  દરેક શાક માર્કેટ ભચાઉની મોડર્ન શાક માર્કેટ પ્રમાણે વ્યવસ્થા કરે. કચ્છ એની વ્યવસ્થામાં નવી દિશા આપે તો જ આ સમયમાં સમય સાથે ચાલી શકીશું. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે જિલ્લામાં કોરોના વાયરસની સ્થિતિ અંગે મુખ્યમંત્રીને માહિતગાર કરી, સામાજિક અંતર માટે ભચાઉ શાક માર્કેટના મોડલની આગેવાની હેઠળ જિલ્લામાં આવી માર્કેટ બનશે. સામાજિક અંતરવાળું મોડેલ નિર્માણ કર્યું છે તેમજ સમગ્ર કચ્છમાં સવારે 7થી સાંજના સાત દુકાનો ખૂલી રાખવા રજૂઆત કરી હતી. તેમજ નાની નગરપાલિકા અને ગ્રામ પંચાયતોમાં એકી-બેકી સંખ્યામાં દુકાનોમાં પણ આ નિયમનો હુકમ ફરમાવવા વિનંતી કરી હતી. જેનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રી સાથે જીવંત સંવાદમાં જણાવ્યું હતું કે, `હું પણ કોરોના વોરિયર' હેઠળ આપેલા સાત સંકલ્પનો બનતો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છીએ. તેમજ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, સરકારે જનતા કર્ફ્યૂ જાહેર કર્યો ત્યારથી જે નિર્ણયો લીધા તે વખાણવાલાયક છે. તેમજ માંડવી વિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ શહેરોમાં ભચાઉથી સામાજિક અંતર જાળવતી મોડર્ન શાક માર્કેટ ઊભી કરાશે. હાલ મુંદરા અને માંડવીમાં આવી શાક માર્કેટ કાર્યરત છે. નગરપાલિકાના પ્રમુખ કુલદીપાસિંહ જાડેજાના પ્રયાસોથી કોરોનાને મ્હાત આપવામાં સૌનો સહયોગ છે. નગરપાલિકાના પ્રમુખ કુલદીપાસિંહ જાડેજાએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે, ભચાઉ શહેરમાં સામાજિક અંતર અને કોરોના વાયરસ ગાઈડલાઇન પ્રમાણેનાં સાવચેતી અને સલામતીનાં પગલાં લઇ મોડર્ન શાકભાજી માર્કેટ કાર્યરત છે, જ્યારે શાક માર્કેટના વેપારી વિશનજી પ્રજાપતિએ શાક માર્કેટના વ્યવસાયનો ચિતાર રજૂ કર્યો છે.આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજ ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણાસિંહ સોઢા, અગ્રણી દિલીપભાઇ ત્રિવેદી, વિકાસભાઇ રાજગોર, અરજણભાઇ, ભચાઉ વેપારી એસો.ના પ્રમુખ હર્ષદભાઇ ઠક્કર, વાઘજીભાઇ ખેંગાર તેમજ કલેકટર પ્રવીણા ડી.કે., ડી.ડી.ઓ.  પ્રભવ જોશી, તાલીમી આઇએએસ નિધિ સિવાચ, એસ.પી. વેસ્ટ પરીક્ષિતાબેન રાઠોડ, ડીવાયએસપી શ્રી ઝાલા, ભચાઉ પ્રાંત અધિકારી પી.એ.જાડેજા, ચીફ ઓફિસર મેહુલ જોધપુરા, જિલ્લા અને નગરપાલિકા ભચાઉના વહીવટી પદાધિકારીઓ અને અધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer