વિમાની સેવા શરૂ કરવા કંડલા વિમાન મથક થઈ ગયું સજ્જ

વિમાની સેવા શરૂ કરવા કંડલા વિમાન મથક થઈ ગયું સજ્જ
ગાંધીધામ, તા. 22 : કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનના ચોથા તબક્કામાં રેલવે વ્યવહારને ધીમે ધીમે પૂર્વવત કર્યા બાદ આગામી 25 મેથી વિમાની સેવા પૂર્વવત કરવાની જાહેરાત કરાઈ છે. આ અંતર્ગત  વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટેની તમામ તકેદારીઓ સાથે કંડલા એરપોર્ટ વિમાની સેવાના સંચાલન માટે સજ્જ છે. આ અંગે સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે તે અંતર્ગત કંડલા વિમાન મથક ખાતેથી બપોરે બે વાગ્યે સ્પાઈસ જેટની મુંબઈની ફલાઈટ અને કંડલા અમદાવાદની ટ્રુ જેટની ફલાઈટનું ઓપરેશન શરૂ થશે. હાલના તબક્કામાં બે વિમાની કંપનીને મંજૂરી આપવામાં આવી છે. બીજા તબક્કામાં એરઈન્ડિયાની  સવારે 11 વાગ્યે આવતી કંડલા-અમદાવાદ નાસિકની  ફલાઈટને મંજૂરી મળે તેવી શક્યતા છે. એરપોર્ટ પ્રશાસન દ્વારા કોરોના વાયરસના સંક્મણને અટકાવવા માટેની તમામ જોગવાઈ કેન્દ્ર સરકારની સૂચના મુજબ કરવામાં આવી છે. ડિપાર્ચર ખાતે ત્રણ  ખુરશીમાં વચ્ચેની ખુરશીનો બેસવા માટે પ્રવાસીઓ ઉપયોગ નહીં કરી શકે.  આ ઉપરાંત હેન્ડસ ફ્રી સેનિટાઈઝર મશીન પણ લગાડવામાં આવ્યું છે.  ડિપાર્ચરમાં આવતાં પહેલાં તમામ પ્રવાસીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. તેમજ  આગમન વખતે પણ  પ્રવાસીઓ સામાજિક અંતર જળવાય તે માટે રાઉન્ડ કરવામાં આવ્યા છે.  જે પ્રવાસીઓનો સામાન હશે તેમને તબક્કા પ્રમાણે સામાન આપવામાં આવશે. તેમજ ક્રીનિંગ પણ કરવામાં આવશે. આમ મુંબઈથી રોડ અને રેલ માર્ગે આવ્યા બાદ હવે વિમાન માર્ગે પણ મુંબઈથી લોકો આવશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer