ગુલામશા પીર અને નાની બેટી ક્રીક વિસ્તારમાં લોકડાઉન વચ્ચેય ચેર નિકંદન પૂરજોશમાં

ગુલામશા પીર અને નાની બેટી ક્રીક વિસ્તારમાં લોકડાઉન વચ્ચેય ચેર નિકંદન પૂરજોશમાં
ભુજ, તા. 22 : કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ભચાઉ વિસ્તારમાં ચેરિયાં નિકંદન રોકવા પર્યાવરણની સર્વોચ્ચ અદાલત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એન.જી.ટી.) કેસ કરી ચેરિયાં નિકંદન બાબતે કુંભકર્ણની નિદ્રામાંથી સ્થાનિક તંત્રને જગાડયા હતા અને વિવિધ સરકારી વિભાગોની સમિતિઓએ આ વિસ્તારની મુલાકાત લઈ ચેરિયાં નિકંદનની વાતમાં સહમત થઈ ઊંટપાલકો તરફી ચુકાદો આપ્યો હતો. પણ આ પ્રવૃત્તિ હજુ અટકવાનું નામ લેતી નથી. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ ભીખાભાઈ રબારી, આદમભાઈ જતના જણાવ્યા અનુસાર ઊંટપાલકો દ્વારા જે વિસ્તારમાં કેસ કરાયો છે જે લુપ્ત થતી ખારાઈ ઊંટ માટે ઉત્તમ ચરિયાણ વિસ્તાર અને ધાર્મિકતાની દૃષ્ટિ અતિ મહત્ત્વના વિસ્તાર ગુલામશા પીર અને નાની બેટી વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી બે હિટાચી અને પાંચ ટ્રેક્ટરથી ચેરનું નિકંદન નીકળી રહ્યું છે. ઊંટપાલકોએ આ બાબતે કંડલા પોર્ટના અધિકારીઓને જાણ કરેલી છે, પણ રાત્રિના સમયે ચેરિયાંનું નિકંદન થઈ રહ્યું છે. હાલ આ કપરા સમયમાં ઊંટપાલકો ખૂબ જ ચિંતિત અને દુ:ખી છે. કોર્ટમાં જવા છતાં પણ ચેરિયાં બચાવી શકતા નથી, તેવો વસવસો તેમની યાદીમાં વ્યક્ત કરાયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer