આ ચોમાસે કચ્છમાં ઠેર-ઠેર વરસાદ મપાશે

હેમાંગ પટ્ટણી દ્વારા- ભુજ, તા. 22 :?હાલ વૈશાખના આકરા તાપમાં શેકાઇ રહેલા કચ્છમાં ચોમાસું તેના નિર્ધારિત સમયે આ સૂકા મુલક પર પધરામણી કરે તેવી સ્વાભાવિકપણે રાહ જોવાઇ રહી છે ત્યારે કચ્છમાં સરેરાશ વરસાદનું સંકલન સચોટ રીતે થાય તે માટે 27 સ્થળે રેઇનગેજ મશીન એટલે કે વરસાદમાપક યંત્ર મૂકવાનો નિર્ણય લેવાયો છે. સંભવત: આ વર્ષથી આ રેઇનગેજ મશીનના આંકડા મેળવી તાલુકાના સરેરાશ વરસાદનો સચોટ આંકડો મેળવવાની શરૂઆત કરી દેવાય તે પ્રકારની પ્રક્રિયાને વેગવંતી બનાવી દેવામાં આવી છે. ડિઝાસ્ટર મામલતદાર શ્રી પ્રજાપતિએ વિગતો આપતાં કહ્યું કે, હાલે જિલ્લામાં માત્ર તાલુકા મથકો પર વરસાદમાપક યંત્ર મુકાયા હોવાથી જો તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડયો હોય પણ તાલુકા મથકે વરસાદ ન પડયો હોય તો સમગ્ર તાલુકાનો સરેરાશ શૂન્ય મિલીમીટર લેખાતો હતો. આ વિસંગતતાને દૂર કરવા માટે તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારને ધ્યાને લઇ 27 જેટલા વરસાદમાપક યંત્ર મૂકવાનો નિર્ણય લેવાયો છે. જ્યાં જ્યાં પણ આ મશીન મૂકવામાં આવશે ત્યાંના આંકડાનું તાલુકા મથકે સંકલન કરી આખા તાલુકાનો સરેરાશ વરસાદ કાઢી તેની નોંધ રાજ્ય સ્તરે કરાવવામાં આવશે. હાલે કચ્છના 10 તાલુકા પૈકી એકમાત્ર?ભુજ તાલુકામાં ભુજ ઉપરાંત ખાવડામાં રેઇનગેજ મશીન મૂકવામાં આવ્યા છે. હવે એ જ તર્જ પર જે તાલુકામાં ગામડાંઓની સંખ્યા વધુ છે ત્યાં ત્રણથી ચાર તો ઓછા ગામડાં ધરાવતા તાલુકાઓમાં એક કે બે મશીન મૂકી વરસાદના સરેરાશ આંકડાનું સંકલન કરવામાં આવશે. વરસાદના આંકડા કઇ?રીતે નોંધાશે તે બાબત પર પ્રકાશ પાડતાં ડિઝાસ્ટાર મામલતદારે કહ્યું કે, જે ગામડાંમાં રેઇનગેજ મશીન મૂકવામાં આવશે ત્યાં વરસાદના દૈનિક આંકડાનું માપન કરી તાલુકા મથકે મોકલવા તેમજ આ મશીનની સુરક્ષા કરવા સહિત અંગે સરપંચ, તલાટી, મુખ્ય શિક્ષક, આરોગ્ય કે અન્ય વિભાગના કર્મચારી કે તે ગામડાંમાં ફરજ બજાવતા હોય તેમની જવાબદારી નક્કી કરવામાં આવશે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, હાલ આ વરસાદમાપક યંત્ર ક્યાં મૂકવા તે સ્થળોને તારવવાની કામગીરી ચાલી રહી છે.સંભવત: આ ચોમાસામાં જ મશીનનો ઉપયોગ શરૂ?થાય તે પ્રકારનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે. કચ્છનો વિસ્તાર વિશાળ હોતાં અહીં કેટલાક તાલુકાઓનો વ્યાપ એટલો વિશાળ છે કે તાલુકામથક કોરો હોય તો જીએસડીએમએમાં તે તાલુકાના વરસાદની નોંધ ન થતાં તેની અસર સમગ્ર જિલ્લાના સરેરાશ પર પડતી હતી. આ વિસંગતતાને દૂર કરવા માટે ગયા વરસે જ રેઇનગેજ મશીન લગાવવાનો કોન્સેપ્ટ અમલી બનાવાયો હતો પણ કોઇ કારણોસર તેની અમલવારી થઇ?શકી નહોતી. ચાલુ સાલે પણ તમામ અગત્યના પાસાંઓ તપાસી રેઇનગેજ મશીન મૂકવાની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે. સૂચિત પ્રક્રિયા થકી હવે તાલુકાના સરેરાશ વરસાદનો સચોટ આંકડો મળતો થશે એ તો નિશ્ચિત મનાઇ રહ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer